Vadodara

વડોદરાની રેલવે લાઈન પર ‘બોમ્બ’નો ડ્રામા : ફરિયાદી એવો મૂળ કાશ્મીરનો મુસ્તાક જ નીકળ્યો આરોપી

કોન્ટ્રાક્ટ એક્સટેન્શન મેળવવા નિવૃત્ત આર્મી કર્મચારીએ રેલવે ટ્રેક પર કોલ્ડ પાયરો પ્લાન્ટ કર્યો
શંકાસ્પદ હરકતો પરથી ભાંડો ફૂટ્યો, એસઓજી–ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 21
વડોદરા શહેર નજીક અનગઢ ગામના નવાપુરા વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર બોમ્બ જેવો વિસ્ફોટક પદાર્થ મળ્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ઘનિષ્ઠ તપાસમાં બોમ્બની ફરિયાદ આપનાર વ્યક્તિ જ આ સમગ્ર કાવતરાનો મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા અને નિવૃત્ત આર્મી કર્મચારી 47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમદ શેખએ પોતાના કોન્ટ્રાક્ટને એક્સટેન્શન મળવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. આરોપીએ લગ્ન પ્રસંગોમાં વપરાતા ‘કોલ્ડ પાયરો’ નામના પદાર્થને બોમ્બ સમાન દેખાય તે રીતે રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો અને ત્યારબાદ પોતે જ પોલીસમાં ફરિયાદ કરી હતી.
ગ્રામજનોમાં ફફડાટ, પોલીસ તંત્ર દોડતું થયું
નવાપુરા વિસ્તારમાં રેલવે લાઈન ઉપર શંકાસ્પદ વિસ્ફોટક દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેલવે વિભાગ અને પોલીસ દ્વારા રેલવે ટ્રેકની આસપાસ કડક સુરક્ષા ગોઠવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
ફરિયાદીની હરકતો પર શંકા, પૂછપરછમાં કબૂલાત
તપાસ દરમિયાન ફરિયાદી મુસ્તાક શેખની ગતિવિધિઓ શંકાસ્પદ લાગતા પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં તેણે પોતે જ રેલવે ટ્રેક પર કોલ્ડ પાયરો પ્લાન્ટ કર્યો હોવાનું કબૂલ્યું હતું. આરોપી મૂળ કાશ્મીરનો રહેવાસી છે અને વર્ષ 2024થી વડોદરાના શેરખી વિસ્તારમાં રહેતો હતો.
ડીસીપી ઝોન-1નો ખુલાસો
ડીસીપી ઝોન-1 જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે આરોપી 2024થી 2026 સુધી રેલવે પોલીસમાં ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર કાર્યરત હતો. કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી સારી કામગીરી બતાવી એક્સટેન્શન મેળવવાના હેતુથી આ બનાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ માયનર એક્સપ્લોસિવ હોવાનું સામે આવ્યું છે.
FSL રિપોર્ટની રાહ, ATSની નજર
પોલીસે વિસ્ફોટક પદાર્થના નમૂનાઓ ગાંધીનગર FSLમાં મોકલ્યા છે. FSL રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે. આ કેસ ઉપર ATS દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top