વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાઉ તાંબેકરવાડા હવેલીને ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવા માટે મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે. આ યોજનાથી એક ઈતિહાસિક હવેલીનું જતનની સાથે સાથે શહેરના કલાકારો અને સંશોધકો માટે એક નવો અવકાશ પણ ઉભો થશે. હવેલીની બાજુમાં જૂની શાળા જર્જરિત હાલતમાં હોવાથી, વર્ષ 2007માં આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા (ASI) એ તેને પોતાના હસ્તક લેવાની માંગણી કરી. વર્ષ 2012માં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ASI વચ્ચે MOU કરવાની મંજૂરી મળી. વર્ષ 2020માં સંપૂર્ણ જમીન ASI ને સોંપવા માટે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ મંજૂરી આપી.
વર્ષ 2021માં ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ માટે રૂ. 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ. ત્યારબાદ, આ પ્રોજેક્ટ માટે કોર કમિટી અને એક્સેક્યુશન કમિટીની રચના કરવામાં આવી. એલીમેન્ટલ સ્ટુડિયોને સલાહકાર તરીકે નિમવામાં આવ્યું અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી. મ્યુઝિયમ માટેની ટેન્ડર પ્રક્રિયા ઘણા પ્રયાસો બાદ વર્ષ 2024-25માં સફળ રહી. ઇજારદાર H.K. Ramani એ 4,22,88,402/- (GST સિવાય) ના દરે કાર્ય માટે ટેન્ડર ભર્યું, જે મંજૂરી માટે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.
