વડોદરાની એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સોમવારે બપોરે બાંધકામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હોસ્પિટલના નવા બાંધકામ માટે આવ્યો હતો તે કપચી ભરેલો ટ્રક કપચી ખાલી કરતી વખતે અચાનક ઉંધો વળી જતાં અકસ્માત સર્જાયો હતો.
ઘટનામાં એક મજૂર ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડાયો હતો. ટ્રક પલટાતા થોડો સમય હોસ્પિટલ પરિસરમાં હડકંપ મચી ગયો હતો.
બાંધકામના કામ દરમિયાન જરૂરી સલામતીના નિયમોનું પાલન ન થવા અંગે ચર્ચા ઉઠી છે. ઘટનાની માહિતી બાદ હોસ્પિટલ પ્રશાસન અને કામ સંભાળતી કોન્ટ્રાક્ટર કંપનીના પ્રતિનિધિઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.