Vadodara

વડોદરાના 5 લાખ નાગરિકોને શુક્રવારે પાણી નહિવત કે ઓછું મળશે

’: 9 તારીખે 7 ટાંકીઓ અને 8 બૂસ્ટર સ્ટેશનો બંધ જેવી સ્થિતિ

સવારનો પુરવઠો આપ્યા બાદ પાલિકા ફ્લોમીટરની કામગીરી શરૂ કરશે; વિતરણ વ્યવસ્થા ખોરવાવાની ભીતિ

વડોદરા: શહેરની જળ વિતરણ વ્યવસ્થાની મુખ્ય કડી સમાન ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે આગામી 9 તારીખના રોજ પાલિકા તંત્ર દ્વારા ફ્લોમીટર બેસાડવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જાળવણી અને સમારકામની કામગીરીને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા આશરે 5 લાખ જેટલા નાગરિકોને પાણીની તંગી અથવા ઓછા દબાણથી પાણી મળવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પાલિકાના જણાવ્યા અનુસાર, 9 તારીખે સવારનો પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે. સવારનું વિતરણ પૂર્ણ થયા બાદ તુરંત જ ફ્લોમીટર બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી સાંજ સુધીમાં તેને પૂર્ણ કરી શકાય. તેમ છતાં, વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી રહીશોએ અગાઉથી સાવચેતી રાખવી જરૂરી છે.
પાલિકાના કાર્યપાલક ઇજનેરે નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવાની સલાહ આપી છે. જોકે, સ્થાનિકોમાં આ સલાહ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શહેરમાં પહેલેથી જ પાણીનો કકળાટ છે અને જ્યારે નિયત જથ્થો પણ પૂરતો મળતો ન હોય, ત્યારે સંગ્રહ કઈ રીતે કરવો? પાલિકાના આ મનસ્વી આયોજનને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

:- કયા વિસ્તારોમાં અસર થશે?
​ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતી મુખ્ય ટાંકીઓ અને બૂસ્ટર સ્ટેશનો હેઠળના વિસ્તારોમાં 9 તારીખની સાંજે પાણી વિતરણ ખોરવાશે. અસરગ્રસ્ત વિસ્તારોની યાદી નીચે મુજબ છે:
*​મુખ્ય ટાંકીઓ: છાણી ગામ, છાણી જકાતનાકા, ટીપી-13, સમા ટાંકી, સયાજી બાગ, લાલબાગ અને જેલ રોડ ટાંકી.
*​બૂસ્ટર સ્ટેશનો: વારસિયા, વ્હીકલ બૂસ્ટર, જૂની ગઢી, પરશુરામ, બકરાવાડી, સાધના નગર અને નવી ધરતી બૂસ્ટર.

Most Popular

To Top