Vadodara

વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ

કોર્પોરેશનનો નવતર પ્રયાસ; સિમેન્ટના પિલર પર આર્ટ પેઈન્ટિંગથી શહેરની સુંદરતા વધશે
વડોદરા
વડોદરા સંસ્કારી નગરીને વધુ સુંદર, રળિયામણી અને કલાત્મક બનાવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશેષ બ્યુટીફિકેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ફ્લાય ઓવર, રેલવે ઓવરબ્રિજ અને રીવર બ્રિજ પર કલાત્મક પેઈન્ટિંગ કરીને શહેરને નવી ઓળખ આપવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ શાખા મુજબ, વડોદરા શહેરમાં હાલ કુલ 41 હયાત બ્રિજ છે. આ તમામ બ્રિજના સિમેન્ટના પિલર અને મુખ્ય સ્ટ્રક્ચર પર આકર્ષક આર્ટ પેઈન્ટિંગ કરીને બ્યુટીફિકેશન કરવામાં આવશે. આ યોજનામાં એશિયાના સૌથી લાંબા અટલ ફ્લાય ઓવર સહિત હરીનગર, અમિતનગર અને ફતેગંજ જેવા મુખ્ય ફ્લાય ઓવરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શાસ્ત્રી રેલવે ઓવરબ્રિજ તેમજ કાલાઘોડા, વુડા અને છાણી કેનાલ જેવા રીવર બ્રિજ પર પણ રંગરોગાન અને કલાત્મક ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોર્પોરેશન દ્વારા વિવિધ સ્થળોએ આર્ટ પેઈન્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. આ વર્ષે પણ તે ગતિ જાળવી રાખતા દુમાડ જંકશન અને અકોટા–દાંડિયા બજાર બ્રિજ પરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હાલ અકોટા–દાંડિયા બજાર રેલવે ઓવરબ્રિજ તેમજ લાલબાગ રેલવે ઓવરબ્રિજ (કાશીવિશ્વનાથ મંદિર તરફના એપ્રોચ) પર કલાકારો દ્વારા પેઈન્ટિંગનું કાર્ય પ્રગતિ હેઠળ છે.
શહેરને નવી અને આકર્ષક ઓળખ આપવા આગામી સમયમાં કલાલી, છાણી, જેતલપુર અને વડસર રેલવે ઓવરબ્રિજ સહિત વડસર લેન્ડફીલ રીવર ઓવરબ્રિજ પર પણ આર્ટ પેઈન્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે

Most Popular

To Top