Vadodara

વડોદરાના 40 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર: બજેટ સભાના બીજા જ દિવસે વિપક્ષના તમામ 7 સભ્યો સસ્પેન્ડ

​1.5 દિવસમાં જ કરોડોનું બજેટ મંજૂર; મેયરની વારંવારની વિનંતી છતાં વિપક્ષનો હોબાળો શમ્યો નહીં

વડોદરા મહાનગરપાલિકામાં આજે લોકશાહીના ઇતિહાસની એક એવી ઘટના બની જેણે ગત ચાર દાયકાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમવાર બન્યું છે કે બજેટ જેવી મહત્વની ચર્ચા દરમિયાન વિપક્ષના તમામ સભ્યોને એકસાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોય. આ કડક નિર્ણય બાદ માત્ર દોઢ જ દિવસમાં સમગ્ર બજેટને મંજૂરી આપી દેવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા કુલ 3 દિવસ માટે નિર્ધારિત કરવામાં આવી હતી. 18 ફેબ્રુઆરી બુધવારે સભાનો બીજો દિવસ હતો. પ્રથમ સેશન શરૂ થતાની સાથે જ સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. વડોદરા શહેરના બજેટ અંગેની ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યો દ્વારા સતત વિક્ષેપ પાડવામાં આવતા મામલો ગરમાયો હતો.
સભામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોને કારણે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિપક્ષી સભ્યોએ અધ્યક્ષની ખુરશી પાસે ધસી જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. મેયર પિંકીબેન સોનીએ સ્થિતિ થાળે પાડવા માટે વિપક્ષના કાઉન્સિલરોને 5 થી 6 વખત પોતાની જગ્યાએ બેસીને રજૂઆત કરવા વિનંતી કરી. દરેક સભ્યને બોલવાની પૂરતી તક આપવામાં આવશે તેવી ખાતરી આપી. તેમ છતાં વિપક્ષી સભ્યોએ મેયરની સૂચના ગ્રાહ્ય રાખી ન હતી અને હોબાળો ચાલુ રાખ્યો હતો.
અંતે, સભાની ગરિમા જાળવવા અને કામગીરી આગળ ધપાવવા માટે અધ્યક્ષ સ્થાનેથી મેયરે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે વિપક્ષના તમામ 7 સભ્યોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને પગલે વિપક્ષી નેતાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના 40 વર્ષના ઈતિહાસમાં આવી ઘટના પહેલા ક્યારેય બની નથી.
સામાન્ય રીતે બજેટ પર લાંબી ચર્ચાઓ થતી હોય છે, પરંતુ વિપક્ષની ગેરહાજરીમાં શાસક પક્ષ દ્વારા માત્ર દોઢ જ દિવસમાં બજેટને મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી. મેયર પિંકીબેન સોનીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, શહેરના વિકાસ માટે બજેટ પર ચર્ચા થવી જરૂરી હતી, પરંતુ વિપક્ષે સહકાર આપવાને બદલે માત્ર અવરોધ ઊભો કરવાનું કામ કર્યું છે.

Most Popular

To Top