વડોદરા વકીલ મંડળ દ્વારા પરીક્ષા આપવા જનાર વકીલો માટે બસ મારફતે આવવા જવાની, પાણી જમવાની વ્યવસ્થા કરવામાં આવી
વડોદરાથી સવારે 5 વાગ્યે ચાર બસમાં વકીલો અમદાવાદમાં પરીક્ષા આપી બપોરે પરત ફર્યા
( પ્રતિનિધિ) વડોદરા તા. 30
ગુજરાત રાજ્યમાં જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સિવિલ જજ માટેની બસો ઉપરાંત જગ્યાઓ માટે ભરતી કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.29 જૂનને રવિવારે અમદાવાદ ખાતે પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં વડોદરાના 220 જેટલા વકીલોએ અમદાવાદના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. વડોદરા વકીલ મંડળ દ્વારા તમામ વકીલોને વડોદરાથી અમદાવાદ પરીક્ષા કેન્દ્રો પર લાવવા જવા માટે બસની વ્યવસ્થા સાથે જ ચ્હા પાણી તેમજ જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
રાજ્યમાં વિવિધ કોર્ટમાં જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સિવિલ જજની બસો થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અંતર્ગત તા.29 જૂન,2025 ને રવિવારના રોજ અમદાવાદ ખાતે પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં રાજ્યના વિવિધ બાર એસોસિયેશનમાથી આશરે સાત થી આઠ હજાર વકીલોએ આ પરીક્ષા આપી હતી. એલ.એલ.બી.પાસ કર્યા બાદ 3 વર્ષના અનુભવ પછી જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સિવિલ જજ ની પરીક્ષા આપી શકે છે ત્યારે વડોદરામાંથી 220 જેટલા વકીલોએ અમદાવાદમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. વડોદરાના વકીલો સમયસર પરીક્ષા આપી શકે તે માટે વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલ, ઉપપ્રમુખ નેહલ સુતરીયા, જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર, જોઇન્ટ સેક્રેટરી મયંક પંડ્યા,ટ્રેઝરર નિમિષા ધોત્રે, લાયબ્રેરી સેક્રેટરી રવિરાજ ગાયકવાડ, તથા કમિટીના સભ્યો દ્વારા વડોદરા ખાતેથી ચાર જેટલી ખાનગી બસોમાં રવિવારે સવારે 5 વાગ્યે વકીલોને અમદાવાદ ખાતે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો જેમાં નવરંગપુરા સ્થિત સોમાલલીત સ્કૂલ તેમજ ગોતારોડ સ્થિત એલ.જે.પોલિટેકનિક સહિતના કેન્દ્રો પર વકીલોને સમયસર પહોંચાડ્યા હતા. સવારે 10 વાગ્યા થી 12 વાગ્યા સુધી પરીક્ષા બાદ વકીલોને પરત વડોદરા લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તદ્પરાંત વકીલો માટે ચ્હા પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વકીલોએ ફરી એકવાર લેખિત પરીક્ષા આપવાની હોય છે અને તે પાસ કર્યા બાદ મૌખિક પરીક્ષા પાસ કરી આ પદ પર નિયુક્ત કરવામાં આવે છે. તમામ વકીલો દ્વારા વકીલ મંડળના પ્રમુખ સહિત તમામ પદાધિકારીઓ,સભ્યોનો આભાર માન્યો હતો.