મંગલ પાંડે રોડ પર ટ્રાફિકનો ચક્કાજામ; હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે જનતામાં રોષ.
વડોદરા : મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાની ગુણવત્તા પર ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સમા-મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાસે અચાનક મસમોટો ભુવો પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે. આ ભુવામાં એક ટ્રકનું ટાયર ખૂંપી જતાં રસ્તાનો એક તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગત થોડા દિવસો પહેલા પણ અગોરા મોલ પાસે જ આ પ્રકારે એક ટ્રક ખાડામાં ફસી ગઈ હતી. વારંવાર એક જ વિસ્તારમાં રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ પાલિકાના ભ્રષ્ટાચાર અને હલકી કક્ષાના મટીરીયલના વપરાશ તરફ આંગળી ચીંધી રહી છે. શુક્રવારે જ્યારે આ ટ્રક ભુવામાં ફસાઈ, ત્યારે તેના કારણે મંગલ પાંડે રોડથી રાત્રી બજાર તરફ જતો આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેનાથી પીક અવર્સમાં ટ્રાફિકના લાંબી કતારો જોવા મળી હતી.
શહેરમાં ઠેર-ઠેર પડી રહેલા ભુવા અને બિસ્માર રસ્તાઓને કારણે હવે નાગરિકોમાં એવી ચર્ચા જાગી છે કે પાલિકા તંત્ર જાણે ‘સંસ્કારનગરી’નું નામ બદલીને ‘ખાડોદરા’ કરવા મક્કમ હોય તેમ લાગે છે. નવા બનેલા રોડ પણ ટૂંકા ગાળામાં જ બેસી જતાં તંત્ર દ્વારા રોડના મટીરીયલની ગુણવત્તા બાબતે યોગ્ય ચકાસણી થાય તેવી માંગ પ્રબળ બની છે.
હવે જોવાનું એ રહે છે કે વારંવાર સર્જાતી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ઠોસ પગલાં ભરે છે કે પછી જનતાએ આવી જ રીતે હાલાકી ભોગવવી પડશે.
લોકો ફરી હેરાન, થતી અસરો:
*ટ્રાફિક જામ: ટ્રક ફસાઈ જવાથી સમા તરફ જતો એક બાજુનો રસ્તો બંધ કરવો પડ્યો.
*સલામતી સામે જોખમ: રાત્રીના સમયે આવા ભુવાઓ જીવલેણ અકસ્માત નોતરી શકે છે.
*તંત્રની નિષ્ફળતા: રોડની કામગીરીમાં વપરાતા મટીરીયલની ચકાસણી બાબતે સવાલો.