Vadodara

વડોદરાના સમા વિસ્તારમાં પાણી માટે મહિલાઓનો ઉગ્ર મોરચો

પાણીની તંગીથી પીડાતા વિસ્તારમાં મહિલાઓનો વિરોધ, પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, 10 જેટલા લોકોને ડીટેન કરવામાં આવ્યા

વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તંગી ગંભીર રૂપ લેતી જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો વિક્ષેપગ્રસ્ત થતા નાગરિકોએ આક્ષેપ લગાવ્યા છે કે સંસ્થાઓ તરફથી યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. આવા સંજોગોમાં આજે શહેરના સમા વિસ્તારમાં પાણીના મુદ્દે ઘેરો ઉગ્ર બન્યો હતો. વોર્ડ નં. 2માં છેલ્લા ઘણાં સમયથી પાણીની અછતનો સામનો કરી રહેલા રહીશોએ કોર્પોરેશન સમક્ષ અનેક વખત રજૂઆત કરી હતી. છતાં સમસ્યાનું કોઈ મક્કમ ઉકેલ ન આવતા મહિલાઓએ આજે મોટાપાયે એકત્રિત થઈ મોરચો કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ, પોલીસ તરફથી પૂર્વ મંજૂરી ન હોવાથી મોરચાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપીના દૃશ્યો સર્જાયા. ઘટનાની ગંભીરતા વધતા મહિલા પોલીસના દળને બોલાવી 8 થી 10 મહિલાઓને ડીટેન કરવામાં આવી હતી.

હાલત બગડી ન જાય તે માટે પોલીસે તાત્કાલિક વધુ બંદોબસ્ત તહેનાત કર્યો હતો. બીજી બાજુ, આ ઘટનાથી નારાજ સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, “પાણી આપવું સરકાર અને કોર્પોરેશનની જવાબદારી છે. અમારી સાથે હુકમશાહીરૂપ વર્તન શા માટે?” આ ઘટનાથી ઉગ્ર સ્થિતિ સર્જાઈ છે અને હવે મોટે ભાગે લોકો એ માંગ ઉઠાવી છે કે તાત્કાલિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, નહીં તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્થાનિક તંત્રે આ મામલે તપાસ શરૂ કરી છે અને પાણી પુરવઠો નિયમિત બનાવવા માટે જરૂરી પગલાં લેવાની વાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કેટલી ઝડપે અને અસરકારક રીતે કામ કરે છે.

મહાવીરસિંહ રાજપુરોહિતનો હસ્તક્ષેપ : સમા વિસ્તારમાં ટૂંક સમયમાં શરૂ થશે પાણી લાઇનનું કામ

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી લો પ્રેશર પાણીની સમસ્યાને લઈને કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, આ મુદ્દે જાન્યુઆરી મહિનામાં જ જવાબદાર અધિકારીઓને લેખિતમાં સૂચન કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં જ પાણીની લાઇનની કામગીરી શરૂ થશે. આ પગલાથી વિસ્તારમાં રહેતા નાગરિકોને આરામ મળશે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવાશે. રાજપુરોહિતે વિસ્તરણ નગરજનોને આશ્વસ્ત કરતા કહ્યું કે, પાણી જેવી મૂળભૂત સુવિધા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ અને આગામી સમયમાં ચોક્કસથી તેનું નિરાકરણ આવી જશે.

Most Popular

To Top