Business

વડોદરાના સમા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પીવાનું પાણી ગટરમાં

  • હજારો લીટર પાણીનો વેડફાટ થતા પ્રજામાં આક્રોશ
  • એક તરફ પીવાનું પાણી પૂરતા દબાણ સાથે નથી મળી રહ્યું બીજી તરફ બગાડ

શહેરમાં પીવાના પાણીનો વેડફાટ પુનઃ એક વખત સામે આવ્યો છે. સમા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. એક તરફ શહેરમાં લોકોને પીવાનું પાણી પૂરતા દબાણ સાથે નથી મળી રહ્યું તો બીજી તરફ પાણીનો બગાડ થતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેર માટે પાણીનો કકળાટ એ કાયમી બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પૂરતા દબાણ સાથે અને પૂરતા સમય માટે પાણી ન મળતું હોવાના આક્ષેપ અવારનવાર થયા છે. શહેરમાં છાશવારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે પણ વિકટ સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે શહેરના સમા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. અભિલાષા ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં અચાનક ભંગાણ થતા હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું હતું. જેના પગલે આ વિસ્તારના લોકોને પૂરતા દબાણ સાથે પાણી મળી શક્યું ન હતું. આ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને કરવામાં આવી હતી. અને સમારકામ શરુ કરાવવામાં આવ્યું હતું. છેલ્લા દિવસથી આ સ્થિતિ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે પાલિકા દ્વારા જે લાઈનો જૂની પુરાણી છે તેની તપાસ હાથ ધરી તેને રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top