Vadodara

વડોદરાના સફાઈ સેવકો ઝાડુ લઈને VMC ખંડેરાવ માર્કેટ મોરચો લઈને પોહચ્યા….

કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો, કાયમી ભરતી કરોના સૂત્રોચ્ચાર સાથે સફાઈ કર્મીના ધરણાં..

વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પગલે સમગ્ર શહેર ગંદકીથી ખદબદી ઉઠ્યું હતું. ત્યારે વડોદરા શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા અમદાવાદ, સુરત અને વડોદરાના સફાઈ સેવકો પાસે ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ શરૂ કરાવવામાં આવી છે. તો બીજી બાજુ વડોદરા કોર્પોરેશનના સફાઈના કોન્ટ્રાકટમાં વર્ષોથી સોસાયટીઓ, પોળો સહિત વિસ્તારમાં સફાઈ કામ કરતા મહિલાઓ અને પુરુષો દ્વારા કાયમીની માંગ સાથે આજે ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જોકે, સિક્યુરિટી દ્વારા ગેઈટ બંધ કરી દેવામાં આવતા ગેઈટની બહાર જ બેસી ગયા હતા અને કમિશનરને બોલાવવાની માંગ કરી હતી. સફાઈ સેવકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

સામાજિક કાર્યકર દેવ્યાનીબેન પરમારે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા 1992થી સફાઈ સેવકોની ભરતી કરવામાં આવી નથી. ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ 1,200 સફાઈ સેવકોની કરવામાં આવેલી ભરતીની વાત કરી રહ્યા છે પરંતુ, આ ભરતી કોરોના સમયે કામ કરનાર કર્મચારીઓની કરવામાં આવી છે. સોસાયટીઓ, પોળો સહિત વિવિધ વિસ્તારોમાં વર્ષોથી કામ કરી રહેલી મહિલાઓ અને પુરુષોને માત્ર રૂપિયા 8થી 9 હજારમાં કામ કરાવવામાં આવી રહ્યું છે. નેતાઓને શરમ આવવી જોઈએ. અમારી એક જ માંગ છે કે, સફાઈ સેવકોને કાયમી કરવામાં આવે.
સામાજિક કાર્યકર કંચનભાઈ પરમારે જણાવ્યું કે, વડોદરા શહેર સફાઈ સેવકોના કારણે સ્વચ્છ અને સુંદર દેખાતું હોય છે પરંતુ, સત્તાધીશો દ્વારા વર્ષોથી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. માત્ર રૂપિયા 8થી 9 હજારના પગારમાં કોન્ટ્રાક્ટરો સફાઈ કરાવી રહ્યા છે. સફાઇ સેવકો દ્વારા ગંદકી સહિતની સફાઈ કરવામાં આવે છે અને વડોદરાની સફાઈનો અધિકારીઓ અને પદાધિકારીઓ જશ લઈ રહ્યા છે. સફાઇ સેવકો સામાન્ય લોકો હોવાના કારણે તેઓની રજૂઆત કરવાનો પણ હક છીનવી લેવામાં આવ્યો છે. પાલિકા દ્વારા ગેઈટ બંધ કરીને સફાઈ સેવકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ખરેખર કોર્પોરેશનના અધિકારીઓમાં તાકાત હોય તો વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો દૂર કરી બતાવે પરંતુ, સત્તાધીશોમા તાકાત નથી સત્તાધીશો માત્ર સામાન્ય માણસોનું શોષણ કરી રહ્યા છે.

સામાજિક કાર્યકરો ચીમકી આપતા જણાવ્યું હતું કે, વર્ષોથી સફાઈ કામ કરતા મહિલાઓ અને પુરુષોને કાયમી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આજે જ્યાં સુધી અમોને સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી કોર્પોરેશનની કચેરી બહાર અમે વરસાદમાં ભૂખ્યા, તરસ્યા બેસી રહીશું અને જે કોઈ કર્મચારીને નુકસાન થશે તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે. મોરચો લઈને આવેલા સફાઈ સેવકો કોઈ અજુગતું પગલુ ના ભરે તે માટે નવાપુરા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Most Popular

To Top