Vadodara

વડોદરાના વોર્ડ નં. 15માં મયુર સોસાયટી–ઉકાજી વાડિયું વિસ્તારમાં રૂ.1.04 કરોડના ખર્ચે ડ્રેનેજ નખાશે

સોસાયટીઓમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે

સ્થાયી સમિતિએ નવી ડ્રેનેજને હાલની 40 મીટર રીંગ રોડ પર આવેલી ટ્રંક લાઈન સાથે જોડવાનું કામ મંજૂર કર્યું

વડોદરા શહેરના વોર્ડ નં. 15 હેઠળ આવેલ વૃંદાવન સર્કલ પાસે મયુર સોસાયટી અને ઉકાજી વાડિયું વિસ્તારની લાંબા સમયથી ચાલી રહેલી ડ્રેનેજ સમસ્યા હવે દૂર થવા જઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આ વિસ્તારની નવી ડ્રેનેજ લાઈનને હાલની 40 મીટર રીંગ રોડ પર આવેલી ટ્રંક લાઈન સાથે જોડવાનું કામ મંજૂર કર્યું છે. આ કામ માટે ઇજારદાર મે. માનસી કોર્પોરેશનને રૂ. 1,04,02,457/- (GST સિવાય)ના દરે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે. આ રકમ મૂળ અંદાજ રૂ.93,29,558/- કરતાં 11.50 ટકા વધુ છે. મયુર પાર્ક સોસાયટી અને ઉકાજી વાડિયું વિસ્તારમાં હાલની ડ્રેનેજ લાઈન યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી વરસાદી ગટરમાં ગંદુ પાણી વહેતું હતું. જેના કારણે બંને સોસાયટીના આંતરિક રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વોર્ડ દ્વારા નવી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

નવી લાઈનને સીધી ટ્રંક લાઈન સાથે જોડવા માટે 40 મીટર રીંગ રોડ હેઠળના વરસાદી ચેનલને ક્રોસ કરવાની જરૂરિયાત હોવાથી આ કામ ટ્રેન્ચલેસ ટેક્નોલોજીથી હાથ ધરાશે. આ પદ્ધતિથી રોડ ખોદવાનો પ્રશ્ન નહીં રહે અને ટ્રાફિક પર પણ ઓછો પ્રભાવ પડશે. આ કાર્યમાં કુલ 70 મીટર લંબાઈમાં 600 મીમી વ્યાસની પાઇપ નાખવાની સાથે RCC મેનહોલ બનાવવાનું પણ સમાવિષ્ટ છે. કામગીરી દરમિયાન હયાત પાણીની લાઈન, ગેસ લાઈન અને ઈલેક્ટ્રિક કેબલ જેવી સેવાઓને નુકસાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. સ્થાયી સમિતિએ ઇજારદાર મે. માનસી કોર્પોરેશનનો ભાવ વ્યાજબી ગણાવી સર્વાનુમતે મંજૂર કર્યો છે. આ કામનો ખર્ચ 15મા નાણાપંચ વર્ષ 2024–25ની ગ્રાન્ટમાંથી પૂરો કરાશે. પાલિકાના દાવા મુજબ, આ કામગીરી પૂર્ણ થતાં મયુર સોસાયટી અને ઉકાજી વાડિયું વિસ્તારની લાંબા સમયથી ચાલતી ડ્રેનેજ સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે અને નાગરિકોને સ્વચ્છ પરિસ્થિતિ મળી રહેશે.

Most Popular

To Top