થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતું નથી
વડોદરાના વોર્ડ નં. 1માં ગૌરવપથ રોડ માટે 20 કરોડના ખર્ચે હાલમાં કામ ચાલી રહી છે, આ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાથી કામ બરાબર થતું નથી અને તેનું સુપરવિઝન પણ કરવામાં આવતું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા અનુસાર સારા રોડ પર ડામર કાર્પેટ અને સિલકોટ કરવામાં આવી રહ્યું છે. સારા ડીવાઈડર તોડીને નવા ડીવાઇડર બનાવવામાં બનાવ્યા છે, પરંતુ સારી હાલતમાં હતા તેવા પેવર બ્લોક કાઢીને નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. અમુક જગ્યા પર ડીવાઈડર તોડીને બનાવવામાં આવ્યા નથી કે પેવર બ્લોક કાઢીને નવા નાખ્યા નથી. કરોડોના ખર્ચ પછી વર્ક ઓર્ડર પ્રમાણેની કામગીરી થતી નથી. આજદિન સુધી થર્ડ પાર્ટી ઈન્સપેકશન થયુ હોય તેવું ધ્યાન પર આવ્યું નથી. થોડા દિવસો પહેલા રાત્રે રોડ વન સાઈડ કરી દેવાના કારણે ત્યાં કામગીરી દરમ્યાન એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. સપ્તપદી પ્લોટની પાછળ સોહમ બંગ્લોની સામેથી સિધ્ધેશ્વર સુધીના રોડની કામગીરી સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા છતાં પુરી કરવામાં આવતી નથી. મટીરીયલ ઉતારીને દસ-પંદર દિવસ સુધી માણસો કામ કરવા માટે જતા નથી. તેવીજ રીતે શહેરના છાણી વિસ્તારમાં નક્ષત્ર ફ્લેટ તરફનો રોડ વર્ક ઓર્ડર આપ્યા પછી પણ કામગીરી રાબેતા મુજબ ચાલતી નથી. અધિકારીના કહેવા મુજબ વારંવાર નોટીસો આપવામાં આવી છે અને મૌખિક રજુઆતો કરવા છતા કામગીરી કરવામાં આવતી નથી. ઈજારદાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાં માગણી કરી છે.
