પાકિસ્તાન વિરુદ્ધ હાય રે પાકિસ્તાન હાય હાય નારા લગાવ્યા
વડોદરા: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના વિરોધમાં સોમવારે વડોદરાના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. મંગળ બજાર, વાસણ બજાર, મુન્શી ખાંચો, પદ્માવતી શોપિંગ સેન્ટર, ચાર દરવાજા સહિત શહેરના મુખ્ય વેપારી વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. વેપારીઓએ શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને “પાકિસ્તાન મુર્દા બાદ”, “હાય રે પાકિસ્તાન હાય હાય”, “હાય રે આતંકી હાય હાય” જેવા નારા લગાવ્યા હતા.

વડોદરાના વેપારી અગ્રણી જય ઠાકોરે જણાવ્યું કે, આ બંધ દ્વારા તેઓ કાશ્મીરમાં થયેલા હુમલાના વિરોધમાં એકતા દર્શાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો પાકિસ્તાન સામે સેનાકીય કાર્યવાહી અને જંગનું એલાન કરે તો અમે સંપૂર્ણ રીતે તેમની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહીશું.”
આ સજ્જડ બંધ દરમિયાન વેપારીઓએ સ્થાનિક લોકો અને દુકાનદારોને પણ આંદોલન સાથે જોડાવાની અપીલ કરી છે. વેપારીઓના આ પગલાથી શહેરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શિત થયો અને લોકોમાં દેશભક્તિનું જાગરણ જોવા મળ્યું.
આ ઘટના વડોદરા શહેરમાં આતંકવાદ વિરુદ્ધ એક મજબૂત સંદેશા તરીકે જોવામાં આવી રહી છે, જે દેશની એકતા અને સુરક્ષા માટે વેપારીઓની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.