શિનોર પોલીસ સ્ટેશનમાં યુવતી અને સાગરીતો દ્વારા વૃદ્ધનું અપહરણ-ધમકીનો ગુનો નોંધાયો હતો
🔹 અમદાવાદથી ઝડપાયો સંતુ ઉર્ફે કેતન ત્રિવેદી, 9 દિવસના રિમાન્ડ મંજૂર
🔹 પિંકી પટેલ માસ્ટરમાઇન્ડ હોવાની શંકા, હજુ 3 આરોપી ફરાર
શિનોર: શિનોર તાલુકામાં યુવતી અને તેના સાગરીતો દ્વારા વડોદરાના એક વૃદ્ધનું અપહરણ કરી ધમકી આપી પૈસા પડાવવાના ગંભીર કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. અપહરણ અને ધમકીના ગુનામાં સંડોવાયેલ સંતુ ઉર્ફે કેતન ત્રિવેદીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી નિવૃત્ત પીઆઈનો પુત્ર હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. કોર્ટ દ્વારા આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસ મુજબ પિંકી પટેલ નામની યુવતીએ તેના સાગરીતો સાથે મળી વૃદ્ધ પાસેથી અંદાજે 7 લાખ રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધ એક્ટિવા લઈને પિંકી પટેલ સાથે શિનોર તાલુકાના માલસર ફરવા ગયા હતા. પરત ફરતી વખતે શિનોર રેલવે અંડરપાસ પાસે નકલી પોલીસ બની 9 લાખ રૂપિયાની માંગ સાથે ધમકી આપવામાં આવી હતી.
આ કેસમાં અગાઉ હાર્દિક શેઠની ધરપકડ થઈ ચૂકી છે. એક યુવતી સહિત કુલ 5 ઈસમો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ ચાલી રહી છે. હાલ માસ્ટરમાઇન્ડ પિંકી પટેલ અને અન્ય બે આરોપી ફરાર હોવાથી પોલીસ તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી રહી છે.