પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓનું ગુજરાતમાં મેગા ઓપરેશન
પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાનું વેચાણ અટકાવવા પોલીસ એક્શનમાં
પ્રતિનિધિ વડોદરા તા.9
ગુજરાતમાં મેડિકલ સ્ટોર પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત પદાર્થ વેચાણ કરાતુ હોય છે. જેના કારણે ડીજીપી દ્વારા કરાયેલા હુકમના આદેશ બાદ ગુજરાતના શહેરોમાં મેડિકલ સ્ટોરમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમા વડોદરાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરાયું હતું. જેના પગલે મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં નશાયુક્ત દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે વેચાણ છુપી રીતે થતુ રહેતુ હોય છે. ત્યારે આ ગેરકાયદે ચાલતા વેચાણ પર રોક લગાવવા માટે રાજ્ય પોલીસ એક્ટિવ થઇ છે. જે અંતર્ગત 9 જુલાઇના રાજ્યના પોલીસ વડાના આદેશ મુજબ બપોરના 12 વાગ્યા વડોદરા શહેર સહિત રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં પોલીસ દ્વારા મેગા ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એનડીપીએસ એક્ટ હેઠળ આવરી લેવામાં આવતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ ઉપરાંત પ્રતિબંધિત દવાઓનો જથ્થાનો મેડિકલ સ્ટોર્સ સંચાલકો દ્વારા સંગ્રહ કરવામાં આવતો હોય છે અને ત્યારે આ પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ અટકાવવાનો આ ઓપરેશનનો મુખ્ય હેતુ છે. વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં આવતા શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ચેકિંગ કરાયું છે. વડોદરામાં પોલીસના પોત પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી ચેકિંગ કરાયું હતુ. જેના કારણે મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.