વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ત્રણ સગીર વર્ષીય દીકરીઓ ઘરેથી ગયા બાદ મોડી રાત સુધી પરત નહીં ફરતા પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી તેમના પરિવારના સભ્યોએ તેમનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં સગીર વયની દીકરીઓના અપહરણના કિસ્સા દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જેમાં ઘણા બનાવોમાં લગ્નની લાલચ આપીને યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ ની સંખ્યા વધારે હોય છે. ત્યારે વડોદરામાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ચાપડ ગામ વિસ્તારમાં રહેતા માતા પિતા વહેલી સવારે કામ પર ગયા હતા. તે દરમિયાન તેમની સગીર વયની દીકરી ઘરમાં મોટી બહેનને બહાર જઈને આવું છું તેમ કહીને નીકળી હતી. પરંતુ માતા-પિતા કામ પરથી ઘરે આવી ગયા હોવા છતાં તેમની દીકરી મોડી રાસ સુધી ઘરે પરત નહીં આવતા તેની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો નહીં લાગતા અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા માતા સાથે ઘરકામ કરવા માટે ગઈ હતી. દરમિયાન દીકરીએ અન્ય ઘરનું કામ પતાવીને આવું છું તેમ કહી ગઈ હતી. પરંતુ મોડી સાંજ સુધી દીકરી ઘરે પરત નહીં ફરતા માતા પિતા સહિતના પરિવારના સભ્યો દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ તેણી કોઈ જગ્યાએથી નહીં મળી આવતા પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સગીર દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્રીજા બનાવવામાં વડોદરા જિલ્લાના એક ગામમાં મહિલાની તેના પતિ મારઝૂડ કરતા હોય પોતાના પિયરમાં માતા ભાઈ અને ભાભી સાથે 13 વર્ષીય દીકરી સાથે મહિલા રહેતી હતી. દરમિયાન 21 ઓગસ્ટ ના રોજ દીકરી માતા અને નાની સાથે બહાર સૂતી હતી. મોડીરાત્રીના સગીરાએ તેની માતાને મને ઠંડી લાગે છે હું ઘરમાં જઈને ઊંઘું છું તેમ કહીને અંદર સુવા માટે ગઈ હતી. દરમિયાન રાત્રિના આંખ ખુલી જતા ઘરનો દરવાજો ખુલ્લો હોય તેઓએ પોતાની દીકરીને જગાડી હતી. બંને ઘરમાં જઈને તપાસ કરતા તેમની 13 વર્ષથી સગીર દીકરી હાજર ન હતી. જેથી આસપાસમાં તપાસ કરવા છતાં કોઈ અતો પતો લાગ્યો ન હતો. જેથી માતાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની શોધ ખોળ હાથ ધરી છે.
