વન ડે વન રોડ’ હેઠળ 92 રસ્તાઓની કાયાપલટ; ઉનાળામાં પાણીની અછત અને ખોરાકમાં ભેળસેળ રોકવા કમિશનરનો એક્શન પ્લાન
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના ચાલી રહેલા વિકાસલક્ષી કામો, પ્રી-મોન્સૂન કામગીરી અને નાગરિકોની પાયાની સુવિધાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કામની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
’વન ડે વન રોડ’ અભિયાનની સમીક્ષા
બેઠકમાં ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ થયેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ ઝોનમાં 55, ઉત્તર ઝોનમાં 11, પશ્ચિમ ઝોનમાં 15 અને પૂર્વ ઝોનમાં 11 રોડ પર સફાઈ, ડિવાઈડર ક્લીનિંગ અને દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે કેટેગરી-A બાદ કેટેગરી-B ના રોડ પર આ કામગીરી શરૂ કરવામાં આવશે.
વધતી ગરમી અને બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે વોટર ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે. પાણીના પ્રેશર અને શુદ્ધતા પર દેખરેખ રાખવા માટે ક્રોસ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગરમીને કારણે ડેરી પ્રોડક્ટ્સ જેવી કે આઈસ્ક્રીમ, દૂધ અને પનીરમાં ભેળસેળ ન થાય તે માટે ફૂડ ડિપાર્ટમેન્ટને સઘન ચેકિંગ કરવા આદેશ અપાયા છે.
ચોમાસા પહેલાની તૈયારીના ભાગરૂપે વોટર લોગિંગ થતા વિસ્તારોની ઓળખ કરી સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી માર્ચ-એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે જેથી ચોમાસામાં નાગરિકોને મુશ્કેલી ન પડે.
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને તાકીદ કરી છે કે જે કોન્ટ્રાક્ટરો કામમાં વેઠ ઉતારશે કે ગુણવત્તામાં કમી રાખશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
:- અન્ય મહત્વના નિર્ણયો:
*આવાસ યોજના: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 6000 મકાનો બનાવવાની ડીપીઆર સરકારમાં મોકલવામાં આવી છે.
*જળ સંચય: શહેરમાં અત્યાર સુધીમાં 4000 થી વધુ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે, જેનો આંકડો વધારવા પ્રયાસો ચાલુ છે.
*બ્રિજ બ્યુટીફિકેશન: શહેરના 10 બ્રિજ અને 32 પાણીની ટાંકીઓને વડોદરાના આર્ટ, કલ્ચર અને હેરીટેજ થીમ પર બ્યુટીફાય કરવામાં આવશે.
*આગામી પ્રોજેક્ટ્સ: હેરીટેજ સ્ક્વેર, નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઈબ્રેરી અને આઈકોનિક બિલ્ડીંગ્સના પ્રોજેક્ટ્સ માટે આગામી શુક્રવારે અલગથી રિવ્યુ બેઠક યોજાશે.