Vadodara

વડોદરાના વાતાવરણમાં ધુમ્મસ સાથે પ્રદૂષણ ફેલાયું,વહેલી સવારનું AQI 288 પર પહોંચ્યું

AQI વેબસાઈટના ડેટા મુજબ વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં વડોદરાનો ક્રમાંક 26મો

(પ્રતિનિધિ) વડોદરા, તા.27
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઠંડી સાથે વાતાવરણમાં ભેજ અને પ્રદૂષણ ભેગું થતાં આજે વહેલી સવારે સમગ્ર શહેર ધુમ્મસથી ઢંકાઈ ગયું હતું. પરિણામે રસ્તા પર વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી વધતી ઠંડી સાથે હવામાં ફેલાયેલું પ્રદૂષણ જાણે અચાનક જમીન સપાટી નજીક આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે વહેલી સવારે સૂર્યોદય બાદ પણ શહેરમાં ધૂંધળું વાતાવરણ યથાવત રહ્યું હતું અને અંધકાર છવાયો હોય તેવી લાગણી થઈ હતી.

વાતાવરણમાં ભેજની સાથે પ્રદૂષણ વધતા આજે સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે વડોદરા શહેરનું મહત્તમ AQI 288 નોંધાયું હતું. જ્યારે છેલ્લા 24 કલાકના સરેરાશ AQIના આંકડા મુજબ શહેરનો AQI 272 નોંધાયો છે. નોંધનીય છે કે, 300 AQIથી હેઝાર્ડસ (અતિ ગંભીર) હવામાનની શરૂઆત થાય છે. ત્યારે વડોદરા શહેર 300 AQIથી માત્ર 12 પોઈન્ટ દૂર હોવાને કારણે પ્રદૂષણનું નવું અને ખતરનાક સ્તર જોવા મળી રહ્યું છે.

AQI વેબસાઈટના ડેટા મુજબ વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં વડોદરાનો ક્રમાંક 26મો છે. ચિંતાજનક બાબત એ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણને કાબૂમાં લેવા માટેના પ્રયાસો અસરકારક સાબિત થતા દેખાતા નથી. સરકાર અને બોર્ડ દ્વારા હવા-પાણીના પ્રદૂષણમાં સુધારો થયો હોવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો જોવા મળતો નથી.

🔲 High AQI એટલે શું? અને તેનો માનવ જીવન પર શું અસર થાય છે?
AQI (Air Quality Index) હવામાં રહેલા પ્રદૂષણના સ્તરને દર્શાવતો સૂચકાંક છે.
🔸 AQI 0–50 : સારી હવા
🔸 AQI 51–100 : સામાન્ય
🔸 AQI 101–200 : સંવેદનશીલ લોકો માટે નુકસાનકારક
🔸 AQI 201–300 : ખૂબ જ ખરાબ
🔸 AQI 301થી વધુ : અતિ ગંભીર (Hazardous)
High AQIના માનવ આરોગ્ય પર પડતા પ્રભાવ
આંખોમાં જલન અને પાણી આવવું
શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ
દમ (Asthma) અને ફેફસાંના રોગોમાં વધારો
હૃદયરોગ અને બ્લડપ્રેશરનું જોખમ
બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે ખાસ જોખમકારક
લાંબા ગાળે કેન્સર અને ફેફસાંને કાયમી નુકસાન
⚠️ સાવચેતી
શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળો
માસ્કનો ઉપયોગ કરો
બાળકો અને વૃદ્ધોને ખુલ્લા વાતાવરણમાં જવાથી બચાવો
વાહનોનો ઓછો ઉપયોગ કરો

Most Popular

To Top