મ્યુ. કમિશનરનો ડામરમાં પગ ચોંટયા બાદ ઇજનેર પ્રશાંત જોશીનું કહેવું છે કે, ટેમ્પરેચર હાઈ હોય તો ડામર પીગળે જ!
વડોદરા: ગતરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી સમસ્યા અને અન્ય કામકાજ અંગે સ્થળ મુલાકાતે નીકળ્યા હતા. તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ માટે ગયા ત્યારે રસ્તા પર થયેલી બેદરકાર કામગીરીની સાક્ષાત અનુભૂતિ થઇ. કમિશનર જ્યારે સમા બ્રિજ પાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટની નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે પાલિકા દ્વારા નવા બનાવાયેલા ડામર રોડ પર તેઓએ પગ મૂક્યો, પણ પગ મૂકતાંજ તેમનો પગ ડામર પર ચોંટી ગયો. આ દ્રશ્ય જોઈ કમિશનર અકળાઈ ગયા અને હાજર અધિકારીઓ પર ગુસ્સે થયા. તેમણે હાજર અધિકારીઓને કહ્યું, “રોડ તો રાજસ્થાનમાં પણ બને છે, ખબર છે ને?” આટલું બોલતાંજ આસપાસના અધિકારીઓ સ્થિર થઈ ગયા. આ સમગ્ર ઘટનાની લાજ બચાવવા માટે હાજર સિટી ઇજનેર અલ્પેશ મજુમદારે બાજુમાં પડેલી રેતી લાવીને પીગળેલા ડામર પર છાંટવાનું નાટક કર્યું હતું. જેને લઈને પણ કોર્પોરેશનમાં અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. નોંધનીય છે કે, સિટી ઇજનેર અલ્પેશ મજુમદારને અગાઉ પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પહોંચાડવાના મુદ્દે સસ્પેન્ડ કરાયા હતા. ચાલુ વર્ષે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી જ ઘટના હેવમોરથી નીલામ્બર તરફ જતા માર્ગ પર બની હતી. પરંતુ સદનસીબે આ માર્ગ પર કોઈ અધિકારીને પગ મૂકવી પડ્યો નહોતો જેથી ત્યાં કામ કરનાર ઇજારદાર પર કોઈ કાર્યવાહી કરાઈ નહીં. હવે ગતરોજ ખુદ મ્યુ. કમિશનરને જ્યારે કડવો અનુભવ થયો તો સિટી ઇજનેર દ્વારા વધુ એક હાસ્યપદ કૃત્ય કરતા કામ કરનાર ઇજારદારને નોટિસ ફટકારાઈ છે અને તેની પાસે પેનલ્ટી વસુલ કરવા કહેવાયું છે.

સમગ્ર મામલે ગુજરાતમિત્રે નોર્થ ઝોનના ઇજનેર પ્રશાંત જોશી સાથે વાતચીત કરી હતી.
રિપોર્ટર : મ્યુનિસિપલ કમિશનર સરને જે માર્ગ પર આજે ડામર પગમાં ચોંટ્યો તે ક્યારે બન્યો હતો ?
પ્રશાંત જોશી : આ માર્ગ પર લિક્વિડ સિલકોટ 15-20 દિવસ પહેલા જ કર્યો હતો. જે બાદ રેતી નાંખેલી હતી. પરંતુ વેહિકલ મૂવમેન્ટ થતા રેતી ખસી જાય છે. અને જ્યારે ટેમ્પ્રેચર હાઈ હોય ત્યારે ડામર પીગળે છે.
રિપોર્ટર : મ્યુનિસિપલ કમિશનરે એવું કહ્યું કે, રાજસ્થાનમાં પણ રોડ બને છે, ખબર છે ? આ નિવેદનને કઈ રીતે જોવો છો ?
પ્રશાંત જોશી: આપણે અહીંયા નોર્મલી જે રોડ બનાવીએ છીએ એના પર રેતી નાખીએ છીએ. જ્યારે રેતી નાખવામાં આવે અને વ્હીકલ મૂવમેન્ટ થાય એટલે રેતી સરફેસ પરથી નીકળી જાય છે. ટેમ્પ્રેચર ફરી થાય એટલે રેતી ફરી નાખીએ છીએ. આ આપણી નોર્મલ પ્રોસિઝર કરતા હોઈએ છીએ.
રિપોર્ટર : શું દરેક જગ્યાએ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ? કેમ કે મ્યુ. કમિશનરે રાજસ્થાનનું નામ લેવું પડ્યું.
પ્રશાંત જોશી : લિક્વિડ સિલકોટવાળા રોડ પર નોર્મલી આ પ્રોસેસ કરવાની હોય છે.
રિપોર્ટર : તો ડામર ચોંટવો નોર્મલ છે ?
પ્રશાંત જોશી : આ જે બનાવ બન્યો તે સમયે રેતી અમે નહોતી નાંખી એટલે અમે ફરીથી બપોરે રીતે નંખાઈ દીધી હતી.
રિપોર્ટર : રેતી નાખ્યા બાદ વાહન વ્યવહાર બંધ કરવો જરૂરી છે ?
પ્રશાંત જોશી : રેતી નાખ્યા પછી એના પર વેહિકલ મૂવમેન્ટ થઈ શક્તિ હોય છે.
રિપોર્ટર : લિક્વિડ સિલકોટ પર રેતી કેટલો સમય રહેવી જોઈએ ?
પ્રશાંત જોશી : એક મહિના સુધી એના પર વોચ રાખવી જરૂરી છે. અમુક અમુક જગ્યાએ ડામર પીગળતો હોય છે. આખા રોડ પર એવું નથી બનતું. અમુક વાર થોડીક થીકનેસ વધતી હોય છે એટલે ક્યારેક આવું થતું હોય છે. પછી અમારે રેતી ચઢાવી પડતી હોય છે.
રિપોર્ટર : કદાચ મ્યુનિસિપલ કમિશનર સાહેબ આ બાબતથી અવગત નહીં હોય ?
પ્રશાંત જોશી : મે તમને જે જવાબ આપ્યો એ ટેકનીકલી પરફેક્ટ છે