પાલિકાના કોન્ફરન્સ હૉલમાં મળેલી મેયર, ડે.મેયર, ચેરમેન સહિત પદાધિકારીઓની અધિકારી સાથેની બેઠકમાં કમિશ્નર થયા રાતા પીળા
પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી સામે કમિશનરની કડક કાર્યવાહીની ચીમકી
અધિકારીઓને ફિલ્ડ પર જવાની કડક ચેતવણી, વોટર લોગિંગ પોઈન્ટ્સ પર નિરીક્ષણની સૂચના
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ ચોમાસા પહેલાંની તૈયારીઓ પ્રિ-મોન્સૂન કામગીરીમાં જોવા મળતી બેદરકારી સામે કડક વલણ અપનાવ્યું છે. શહેરના વિસ્તારોમાં પાણીની નિકાસ અને વોટર લોગિંગના મુદ્દાઓ પર અધિકારીઓની લાપરવાહી સામે કમિશનરે ફિલ્ડ પર જવાની કડક સૂચના આપી છે.

પાલિકાની બેઠક બાદ કમિશનરે કહ્યું કે, “જ્યારે પબ્લિક અને મીડિયાને વોટર લોગિંગના મુદ્દાઓની જાણકારી હોય છે, ત્યારે અધિકારીઓને કેમ નથી હોતી?” તેમણે ઇજારદારોને કામ સોંપીને જવાબદારી પૂરી થઈ જાય તેવી માનસિકતાનું પણ ખંડન કર્યું હતું. કમિશનરે જણાવ્યું કે, ઇજારદારોને કામ સોંપવા છતાં પણ અધિકારીઓની જવાબદારી ઓછી થતી નથી. વોટર લોગિંગના બિંદુઓ પર સતત નિરીક્ષણ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ચોમાસા પહેલાંની તૈયારીઓમાં ગંભીરતા અને સમયસર કાર્યવાહીનો ભાર મૂકતા કમિશનરે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ પણ અધિકારી બેદરકારી બતાવે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરના વિસ્તારોમાં પાણીની નિકાસ અને વોટર લોગિંગની સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. આ મુદ્દે કમિશનરે ગંભીરતા અને સ્પષ્ટ વલણથી શહેરમાં પાણી સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ બેઠક માં વડોદરા મહાનગર પાલિકાના મેયર, ડે.મેયર ચેરમેન સહિત પદાધિકારીઓ ઉપરાંત અધિકારીઓ બેઠક માં જોડાયા હતા.