મેયર અને કોર્પોરેટરો સાથેના વિવાદ બાદ ટ્રાન્સફર
અરુણ મહેશ બાબુ નવા કમિશ્નર તરીકે નિમાયા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે ફરજ બજાવી રહેલા દિલીપ રાણાની બદલી કરીને તેમને કમિશ્નર ઓફ હાયર એજ્યુકેશન, ગાંધીનગર તરીકે નિમણૂક કરી સરકારે તેમને સાઇડ લાઇન કરી દીધા છે. તાજેતરમાં જ તેઓ શહેરના રાજકારણમાં મેયર પિંકી સોની અને સત્તાપક્ષના કોર્પોરેટરો સાથે થયેલા વિવાદના કેન્દ્રમાં રહ્યા હતા. મેયર પિંકી સોનીએ જાહેરમાં દિલીપ રાણા વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તો બીજી તરફ સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોશી સાથે સામાન્ય સભામાં થયેલી તક્કર પછી તેમના ટ્રાન્સફર અંગે અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે. દિલીપ રાણાની જગ્યાએ હવે 2013 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી અરુણ મહેશ બાબુને નવા કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ રાજકોટ કલેક્ટર અને ડીડીઓ અમદાવાદ તરીકે પણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે અને હાલ તેઓ UGVLના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. કમિશ્નર દિલીપ રાણાના અગાઉના વિવાદોને ધ્યાનમાં લેતાં રાજકીય વર્ગોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે રાણાની બદલી સાઇડલાઇન તરીકે પણ જોવાઈ રહી છે.
અત્યારના ડે. મ્યુનિસિપલ કમિશ્નર અર્પિત સાગર (2015 બેચ, IAS)ને મહીસાગર જિલ્લાના કલેકટર તરીકે બદલી કરીને મોકલવામાં આવ્યા છે. તેમની જગ્યાએ 2017 બેચના IAS અધિકારી ગંગાસિંહની નિમણૂક કરવામાં આવી છે. તે જ રીતે, 2017 બેચની IAS અધિકારી સુરભી ગૌતમને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), ગાંધીનગરથી બદલી કરીને પાલિકા પ્રાદેશિક કમિશ્નર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમના આગમન સાથે કે પી જોશી પાસે રહેલો વધારાનો ચાર્જ પણ પાછો ખેંચવામાં આવ્યો છે.
