Vadodara

વડોદરાના મેયર પિંકી સોની પોતાનાં વિસ્તારમાં નળથી પાણી લાવવામાં નિષ્ફળ નીવડ્યા

વોર્ડ નંબર 4ની રામદેવનગર સોસાયટી 365 દિવસથી ટેન્કરના ભરોસે !

વોર્ડ નંબર 4 અને 5ની 10થી વધુ સોસાયટીઓમાં આજે પણ દરરોજ 300 ટેન્કરોથી પાણી અપાય છે

વડોદરા શહેરમાં પાણી પુરવઠાની સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. વર્ષ 2025ના માત્ર પ્રથમ છ મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજિત 42,000 જેટલા પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. જો ગયા બે વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2023 અને 2024માં દર મહિને સરેરાશ 2,000 ટેન્કર દ્વારા પાણી આપવામાં આવ્યું છે. આ બંને વર્ષમાં કુલ મળીને 50,000 જેટલા ટેન્કર શહેરમાં પાણી વિતરણ માટે વપરાયા છે. એટલે કે છેલ્લા 2.5 વર્ષમાં કુલ 90,000થી વધુ ટેન્કર વડોદરા શહેરમાં પાણી પૂરું પાડવા માટે લગાડવામાં આવ્યા છે. વિશેષ વાત તો એ છે કે વોર્ડ નં. 4 અને 5માં પીવાના પાણીની હાલત ખૂબ ખરાબ છે. વોર્ડ 4ની 10 સોસાયટીઓ એવી છે જ્યાં આજે પણ નિયમિત રીતે ટેન્કરથી પાણી પહોંચાડવું પડી રહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે વડોદરાના મેયર પિંકી સોની ખુદ વોર્ડ 4માંથી છે, છતાં તેમના વિસ્તારમાં રામદેવનગર-2 સોસાયટીમાં છેલ્લા 1 વર્ષથી ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. તેમજ સાઇદીપ સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી નળમાં પાણી મળતું ન હોવાને કારણે ટેન્કરથી જ પાણી આપવું પડી રહ્યું છે. જેથી સ્પષ્ટ થાય છે કે મેયર પોતાના વિસ્તારની પાણી સમસ્યા પણ હલ કરી શક્યા નથી. વોર્ડ 5ની સ્થિતિ પણ કંઈ અલગ નથી. અહીં 8 જેટલી સોસાયટીઓમાં છેલ્લા 8 મહિનાથી નિયમિત રીતે ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. આ તમામ સોસાયટીઓ દીઠ દરરોજ લગભગ 300 જેટલા ટેન્કર પાણી પહોંચાડવા વપરાઈ રહ્યા છે. આધિકારિક સૂત્રો જણાવે છે કે આમાંથી ઘણી સોસાયટીઓને હજુ પણ આગામી છ મહિનાં સુધી ટેન્કર આધારિત પાણી પર નિર્ભર રહેવું પડશે. પાણી જેવી જીવન જરૂરી વસ્તું માટે શહેરના નગરજનો ટેન્કર પર આધારિત રહે છે, ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે નગરપાલિકા દ્વારા કાયમી નળજોડાણ આપવાનું આયોજન કેમ આગળ વધારતું નથી અને સ્થાનિક પ્રતિનિધિઓથી લઈને કોર્પોરેશન સુધી આ સમસ્યાના દાયિત્વ માટે જવાબદારી પણ નક્કી થઈ શકી નથી.

વોર્ડ નં 4 ની આ સોસાયટીઓમાં આજે પણ ટેન્કરથી પાણી પહોંચાડાય છે

સાઇદીપ સોસાયટી 6 મહિનાથી ટેન્કર
રૂદ્રાક્ષ એલિગન્સ, વૈકુંઠ ચાર રસ્તા ત્રણ મહિનાથી ટેન્કર
મધુવન પેલેસ (હરણી તરફ) છેલ્લા ત્રણ મહિનાથી ટેન્કર
રામદેવનગર 2 છેલ્લા એક વર્ષથી ટેન્કર
અભય આનંદ (હરણી એરપોર્ટ પાસે) ચાર મહિનાથી ટેન્કર શિવ બંગલોઝ ત્રણ મહિનાથી ટેન્કર
રાજેશ્વર ગોલ્ડ ત્રણ મહિનાથી ટેન્કર
એમ્બર ટાવર ક્રાફટ સોલિટેડ ત્રણ મહિનાથી ટેન્કર
સાઈ શ્રદ્ધા ટાઉનશિપ ત્રણ મહિનાથી ટેન્કર

વોર્ડ નં 5 ની આ સોસાયટીઓમાં છેલ્લા આઠ મહિનાથી ટેન્કરથી પાણી પહોંચાડાય છે

સાનિધ્ય ટાઉનશીપ
સિદ્ધેશ્વર હેરિટેજ
પામ ગ્રીન બંગલો
હીરાબા નગર
તુલસી હાઈટ
સેવન હેવન
શિવાય સ્કાય
એમેઝોન રેસિડન્સી

ટેન્કર આધારિત પાણી પુરવઠો હજુ 6-8 મહિના ચાલુ રહેશે !

વોર્ડ 4 અને વોર્ડ 5 માં છેલ્લા ઘણા સમયથી ટેન્કરોથી પાણી પહોંચાડવું પડે છે. કેટલાક વિસ્તારો એવા છે કે, એક વર્ષથી પાણી ટેન્કરથી આપવું પડી રહ્યું છે. આ વિસ્તારોના લોકોને હજુ છ થી આઠ મહિના સુધી ટેન્કરથી પાણી મેળવવું પડશે. નબળી નેતાગીરીને પગલે આ વિસ્તારોમાં આજે પણ નળથી પાણી નથી મળી રહ્યું.

દોઢ કલાક પાણી મળે છતાં ટેન્કરથી પાણી લાવવાનું ષડયંત્ર

વોર્ડ 4 માં કેટલીક સોસાયટીઓ એવી પણ છે કે, જ્યાં પૂરા પ્રેસરથી પાણી આવે છે અને પાલિકા દ્વારા દોઢ કલાક સુધી નિયમિત પાણી પણ આપવામાં આવે છે. તેમ છતાં, કેટલાક ચોક્કસ તત્વો અહીં ટેન્કરથી પાણી મળે તે માટે સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆતો કર્યા કરે છે. પાલિકા દ્વારા પ્રેસરથી પાણી આવતું હોવાનું તપાસ કર્યા બાદ પણ અહીં ચોક્કસ લોકો ટેન્કર મંગાવે છે.

Most Popular

To Top