વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વધુ એક નંદી સર્કલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે શહેરમાં વધુ એક યુનિક સર્કલનો ઉમેરો થશે.
કલાનગરી વડોદરા શહેરમાં અનેક સર્કલો પર કલાકૃતિઓ ,સ્કલ્પચર શહેરની શોભા વધારી રહ્યાં છે. જેમાં યોગા સર્કલ, દેશના વીર સપૂતો, કવીઓ, સંતોના સ્કલ્પચર વડોદરાની મુલાકાતે આવતા લોકોને કલાનગરીની ઓળખ આપી રહ્યાં છે. શહેરના મોટાભાગના ચારરસ્તા પર આવા સર્કલોમા સ્કલ્પચર જોવા મળી રહ્યાં છે ત્યારે શહેરના માંજલપુરના રિલાયન્સ ગાર્ડન પાસે વધુ એક સર્કલ નિર્માણાધિન છે .જ્યાં નંદીનું વિશાળકાય સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે. હાલ આ સર્કલ નિર્માણ પામી રહ્યું છે અહીં સર્કલમાં ફૂવારા તથા રંગીન લાઇટો થકી શુશોભન કરવામાં આવશે જેની કામગીરી હાલ ચાલી રહી છે .નંદી સાથેના સર્કલથી નજીકમાં આવેલા રિલાયન્સ ગાર્ડનની સાથે માંજલપુરની શોભામાં વૃદ્ધિ થશે અથવાતો એમ કહી શકાય કે, કલાનગરી વડોદરામાં વધુ એક કલાનો નમૂનો લોકોને જોવા મળશે. નંદી એ ભગવાન શિવજીના પ્રિય વાહન પણ છે સાથે જ નંદી એ કૃષિ સાથે પણ જોડાયેલ છે ત્યારે શહેરના માંજલપુરમાં થોડોક દિવસો બાદ નંદી સાથેનું સર્કલ બનીને તૈયાર થઇ જશે.