ઉગ્ર વિરોધ સાથે રહીશોએ જાતે જ દુકાનો બંધ કરાવી :
વેપારીઓ અને રહીશો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ :
( પ્રતિનિધિ ) વડોદરા તા.25
વડોદરાના રાજમહેલ રોડ પર મરીમાતાના ખાંચામાં આવેલ મોબાઈલ અને એસેસરીઝની દુકાનો આવેલી છે. જે રવિવારે પણ ખુલ્લી રહેતા રહીશો વિફર્યા હતા અને દુકાનો બંધ કરાવતા વેપારીઓ અને રહીશો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
વડોદરામાં વિકાસની સાથે સાથે ધંધા અને રોજગારનો વ્યાપ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે શહેરમાં એવા કેટલાય વિસ્તારો છે જ્યાં દરરોજ ટ્રાફિકની સમસ્યા હવે આમ વાત બની ગઈ છે. શહેરના રાજમહેલ રોડ પર આવેલ મરીમાતાના ખાંચામાં મોબાઈલ અને એસેસરીઝના બજારને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નિયમ પ્રમાણે રવિવારે બજાર બંધ રાખવાનું હોય છે તેમ છતાંય અહીંયા રવિવારે પણ દુકાનો ખુલ્લી રાખવામાં આવતા ગ્રાહકોનો જમાવડો થાય છે. જેના કારણે ત્યાં રહેતા રહીશોને હેરાન થવું પડે છે.
અગાઉ પણ આ મામલે પાલિકામાં તેમજ પોલીસ મથકે પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજે રહીશોએ જાતે જ મેદાનમાં આવી દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી. દરમિયાન ઉગ્ર બોલાચાલી સાથે રહીશોએ બજાર બંધ કરાવ્યું હતું. જ્યારે કેટલાક વેપારીઓ રહીશોનો રોષ જોઈને ટપોટપ દુકાનો બંધ કરી ચાલ્યા ગયા હતા.