નવા મંત્રીમંડળમાં 10 કેબિનેટ મંત્રી અને 16 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરાયો
વર્ષ 2021માં પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો, સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય
ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા મંત્રીમંડળનું વિભાગ વિતરણ જાહેર કરવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં 10 કેબિનેટ મંત્રી અને 16 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય ડૉ. મનીષા વકીલ ફરી એકવાર ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થયા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં તેમને મહિલા અને બાળ વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. મનીષા વકીલ અગાઉ વર્ષ 2021માં પણ આ જ વિભાગની મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. મનીષા વકીલે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. પહેલાં તેઓ ખાનગી શાળામાં પ્રાથમિક વિભાગમાં સુપરવાઇઝર અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. શિક્ષણ ક્ષેત્રમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ વર્ષ 2012માં પહેલીવાર ભાજપની ટિકિટ પર વડોદરા શહેર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2017 અને 2022માં પણ સતત જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2025માં રચાયેલા નવા મંત્રીમંડળમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે કુલ 16 રાજ્ય મંત્રીઓ તથા કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીઓની યાદીમાં મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસ વિભાગ ઉપરાંત સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રીમંડળમાં કનુભાઈ દેસાઈ, જીતેન્દ્રભાઈ વાઘાણી, રૂષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકી સહિતના મંત્રીઓનો સમાવેશ થયો છે. રાજ્ય મંત્રીઓમાં ઇશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરીયા, કૌશિક વેકરીયા, દર્ષનાબેન વાઘેલા, રીવાબા જાડેજા સહિતના નામો સામેલ છે. મનીષા વકીલના મંત્રીપદની જાહેરાત બાદ વડોદરા શહેરમાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વના 13 વિભાગ પોતાની પાસે રાખ્યા
હર્ષ સંઘવી નાયબ મુખ્ય પ્રધાન તરીકે 10 વિભાગો સંભાળશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ, વહીવટી સુધારા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓ, મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, રસ્તાઓ અને મકાનો, મૂડી પ્રોજેક્ટ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનિજો, બંદરો, માહિતી અને પ્રસારણ જેવા વિભાગો પોતાના હવાલે રાખ્યા છે. હર્ષ સંઘવીને નાયબ મુખ્ય પ્રધાન તરીકે ગૃહ, જેલ, સરહદ સુરક્ષા, નાગરિક સંરક્ષણ, દારૂબંધી અને આબકારી, પરિવહન, કાયદો અને ન્યાય, રમતગમત, યુવા સેવા, ઉદ્યોગો, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન જેવા વિભાગો ફાળવાયા છે.
કેબિનેટ મંત્રીઓમાં:
- કનુભાઈ દેસાઈ – નાણાં, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ
- જીતેન્દ્રભાઈ વાઘાણી – કૃષિ, સહકાર, પશુપાલન અને ગાય સંવર્ધન
- રૂષિકેશ પટેલ – ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ
- કુંવરજી બાવળીયા – શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર
- નરેશ પટેલ – આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ
- અર્જુન મોઢવાડીયા – જંગલો અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન
- ડો. પ્રદ્યુમ્ન વાજા – આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો)
- રમણ સોલંકી – જળ સંસાધન અને પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો)
રાજ્ય મંત્રીઓમાં:
- ઇશ્વરસિંહ પટેલ – જળસંપતિ, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો)
- પ્રફુલ પાનસેરીયા – આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો)
- ડો. મનીષા વકીલ – મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ
- કાંતિલાલ અમૃતિયા – શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર
- રમેશભાઈ કટારા – કૃષિ, સહકાર, પશુપાલન, ગાય સંવર્ધન
- દર્ષનાબેન વાઘેલા – શહેરી વિકાસ અને ગૃહનિર્માણ
- દિલીપસિંહ વેકરીયા – કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય બાબતો
- પ્રવિણભાઈ માળી – જંગલો, આબોહવા પરિવર્તન, પરિવહન
- ડો. જયરામભાઈ ગામીત – રમતગમત, યુવા સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
- ત્રિકમભાઈ છાંગા – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
- કમલેશભાઈ પટેલ – નાણાં, પોલીસ આવાસ, જેલ, નાગરિક સંરક્ષણ
- સંજયસિંહ મહીડા– મહેસૂલ, પંચાયત, ગ્રામીણ ગૃહનિર્માણ
- પુનમચંદ બરંડા – આદિજાતિ વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠા
- સ્વરૂપજી ઠાકોર – ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ
- રિવાબા જાડેજા – પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16, પરસોત્તમ સોલંકી,: મત્સ્ય ઉદ્યોગ

- વડોદરાના 8 ધારાસભ્યોમાંથી ફક્ત મનીષા વકીલને મંત્રીપદ
વડોદરા શહેર અને જિલ્લાના અનેક ધારાસભ્યોના નામ નવા મંત્રીમંડળમાં સામેલ થવા માટે ચર્ચામાં હતા, પરંતુ અંતે ફક્ત શહેર વાડી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય મનીષા વકીલની ફરી પસંદગી થઈ છે. વડોદરાના કુલ 8 ધારાસભ્યો પૈકી એકને જ મંત્રીપદ મળ્યું છે. મનીષા વકીલ સતત ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી રહ્યા છે અને અગાઉ પણ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.