*માસીના ઘરે જતા યુવકનું સાયકલ સવારને બચાવવા જતાં મોત નિપજ્યું*
*વૃદ્ધ દંપતી દુમાડ ચોકડી પાસે રોડ ઓળંગતા અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત બંનેના મોત નિપજ્યાં*
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
શહેરના બે અલગ સ્થળોએ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં. જેમા ઉંડેરા ગામમાં રહેતો યુવક મોટરસાયકલ લઈને ગત તા.07 માર્ચે સાંજે કરચિયારોડથી પૂરઝડપે દશરથ જતો હતો તે દરમિયાન આગળ સાયકલ સવાર વૃદ્ધને બચાવવા જતાં સાયકલ સાથે ટકરાતા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા.સમગ્ર મામલે જવાહરનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.બીજા એક બનાવમાં દુમાડ ચોકડી પાસે શનિવારે સવારે દુમાડ ચોકડી પાસે રોડ ઓળંગતા વૃદ્ધ દંપતિને અજાણ્યા વાહને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત બંનેનું મોત નિપજ્યું હતું બનાવ અંગેની જાણ થતાં સમા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
*બે નાની બાળકીઓના પિતાનું કરચિયા રોડ ખાતે અકસ્માતમાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું*
વડોદરા જિલ્લાના ઉડેરા ગામના લીમડી ફળિયામાં રહેતા નિલેશ પૂનમભાઇ પરમાર નામનો યુવક ગત તા.07 માર્ચના રોજ સાંજે સાતેક વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એલજી-2357 લઈને દશરથ ગામે માસીના ઘરે પૂરઝડપે જતો હતો તે દરમિયાન કરચિયા ગામના ટાવરવાળા ફળિયામાં પરિવાર સાથે રહેતા આશરે 60 વર્ષીય વૃદ્ધ પ્રભાતભાઇ પરમાર જેઓ ગોરવા ખાતે બંગલામાં સિક્યુરિટી ગાર્ડ ની નોકરી કરતા હોય સાયકલ લઈને નોકરી પર જતાં હતાં તે દરમિયાન કરચિયા રોડ પર આવેલા ગઢવીની ચાલી સામે આગળ વૃધ્ધને બચાવવા જતાં નિલેશભાઇ એ મોટરસાયકલ પરનો કાબૂ ગુમાવતા મોટરસાયકલ આગળ જતી સાયકલ સાથે ટકરાઈ હતી જેમાં સાયકલ સવાર વૃદ્ધ પ્રભાતભાઇ પટકાયા હતા બીજી તરફ નિલેશભાઇ પણ બાઇક સાથે પટકાતા તેમને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે વૃદ્ધ પ્રભાતભાઇને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે જવાહરનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક નિલેશભાઇ માતા પિતા અને પત્ની તથા બે દીકરીઓ જેમાં એક પાંચ વર્ષ તથા બીજી દીકરી દોઢ વર્ષની સાથે રહેતો હતો તથા ગોરવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
*દુમાડ ચોકડી પાસે અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત વૃદ્ધ દંપતીનું મોત નિપજ્યું*
શહેરના લક્ષ્મીપુરા ન્યૂ અલકાપુરી ખાતે આવેલા શપથ ફ્લેટમાં રહેતા સુપ્રીત અક્ષયકુમાર શાહ પોતાના પત્ની અને દીકરી સાથે અલગ રહે છે અને લીન્ડે એન્જિનિયરિંગ પ્રા.લી.મા ઇન્સ્ટ્રુમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમના પિતા અક્ષયકુમાર જયંતિલાલ શાહ (ઉ.વ.71) તથા તેમના માતા કલ્પનાબેન શાહ બંને વાઘોડિયારોડ ખાતે આવેલા અમરપાર્કમા રહેતા હતા .સુપ્રિતભાઇ શનિવારે સવારે નવલખી મેદાન ખાતે ક્રિકેટ રમતા હતા તે દરમિયાન તેમના સગાએ જણાવ્યું હતું કે તેમના માતાપિતા નું દુમાડ ચોકડી પાસે તુલીપ હોટલ નજીક અકસ્માત થયો છે. જેથી સુપ્રિતભાઇ એસ.એસ.જી.હોસ્પિટલ ગયા હતા. જ્યાં તેમના પિતાને એમ્બ્યુલન્સમાથી ઉતારી હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેઓના માતાને દુમાડ ચોકડી પાસે અકસ્માતમાં ઇજા થતાં તેઓ અકસ્માત સ્થળે હોવાનું જાણવા મળતાં સુપ્રિતભાઇ દુમાડ ચોકડી નજીક તુલીપ હોટલ સામે હાઇવે પર પહોંચ્યા હતા. જ્યાં અકસ્માતમાં તેમના માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હોવાનું જાણવા મળતાં તેઓ ભાંગી પડ્યા હતા.તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સવારે તેમના માતાપિતા દુમાડ ચોકડી પાસે રોડ ક્રોસ કરતાં હતા તે દરમિયાન અજાણ્યા વાહને વૃદ્ધ દંપતીને અડફેટે લેતાં તેમની માતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ભાગી ગયો હતો સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
