બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ૧૫૬૬૬ બાળ બાલિકાઓ એ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત લોકોનો મુખપાઠ કરી સર્જ્યો અનોખો ઇતિહાસ
આજના આધુનિક યુગમાં વિજાણું ઉપકરણોની દુનિયામાં લોકો પૌરાણિક મુખપાઠ ની પરંપરાઓને વિસરીને કેવળ ઉપકરણોના ગુલામ થઈ ગયા છે. ત્યારે જરૂર છે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દ્રષ્ટી કરવાની કે જે સમયે ઋષિમુનિઓના આશ્રમમાં બાળકને બાળપણથી જ મુખપાઠ દ્વારા સંસ્કારી કરવામાં આવતા હતા. જેમના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્યનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો. આ ભવ્ય પરંપરા એ જ ભારતને મહાન રાજાઓ, વિદ્વાનો, પંડિતો, વૈજ્ઞાનિકો વગેરેનું પ્રદાન કર્યું છે. આવી આપણી આ સનાતન વૈદિક પરંપરા ને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પુનઃ જીવંત કરી બતાવી છે.ગત વર્ષે દિવાળીના પર્વ દરમિયાન તેઓએ સંકલ્પ જાહેર કર્યો કે આવતી દિવાળી સુધીમાં બીએપીએસ સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિ દ્વારા ૧૦૦૦૦ થી વધુ બાલ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથના તમામ ૩૧૫ સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે સત્સંગ દીક્ષા એક એવો અભિનવ ગ્રંથ છે જે સનાતન શાસ્ત્રોના સાર રૂપ ૩૧૫ શ્લોકોમાં મહંત સ્વામી મહારાજે સદાચાર,વ્યસન મુક્તિ, પ્રમાણિકતા, ચારિત્ર નિર્માણ,સેવા, સંપ, સહકાર, સમર્પણ,સંસ્કૃતિ સંવર્ધન, સંસ્કાર સિંચન, સર્વજન સમ આદર તથા સર્વ ધર્મ સમ આદર, રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ આયામો આ ગ્રંથમાં જનજન સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કર્યો છે. સ્મરણ રહે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ ગ્રંથ તેઓની ૮૭ વર્ષની જૈફ વયે કેવળ ૬૪ દિવસની અંદર સ્વહસ્તે લખીને તૈયાર કર્યો છે. એવા આ અદભુત ૩૧૫ સંસ્કૃત શ્લોક ધરાવતા ગ્રંથ ને મુખપાઠ કરવાની હાકલ ને જીલી લઈ સંસ્થાના ન કેવળ ૧૦૦૦૦ પરંતુ ૧૫૬૬૬ બાળ વિદ્વાન બાલિકા વિદુષીઓ એ કંઠસ્થ કરી લીધું. ફક્ત ત્રણ વર્ષથી તેર વર્ષની વય ધરાવતા આ બાલ બાલિકાઓ માં ના ઘણા બાળકો બાલિકાઓ હજુ તો શાળાનું પગથિયું પણ ચડ્યા નથી પરંતુ ધન્ય છે તેમના માતા-પિતાને કે આ નાના બાળકોને લખતા વાંચતા ન આવડતું હોવા છતાં પણ તેમની પાછળ અત્યંત મહેનત કરી આ ૩૧૫ શ્લોક કંઠસ્થ કરાવ્યા.આમ આ બાળકો એ મુખપાઠ કરી ભવિષ્યમાં તેઓ ના અભ્યાસ માં પણ ઉજ્જવલ કારકિર્દી રૂપી ઇમારત નો પાયો મજબૂત કર્યો છે.
આપણા માટે હર્ષ ની વાત છે કે આ ૧૫૬૬૬ બાળ બાલિકાઓ પૈકી આપણા વડોદરા શહેરના ૭૮૨ બાળકો અને ૭૪૯ બાલિકાઓ મળી કુલ ૧૫૩૧ બાલ બાલિકાઓએ પણ આ ગ્રંથ મુખપાઠ કરી શહેર માટે એક ઇતિહાસ સર્જ્યો છે. આજે આ બાલ બાલિકાઓ ના અભિવાદન માટે અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સર્વપ્રથમ આ બાલ બાલિકાઓ ને મહા વિદ્વાન ની માફક પાલખીમાં બેસાડી ભાવિક ભક્તોએ તેમને પોતાના ખભા પર ઊંચકી યજ્ઞ પુરુષ સભાગૃહ માં પરિક્રમા કરાવી હતી. ત્યારબાદ મંદિર પરિસર માં તૈયાર કરાયેલ સુશોભિત ૬૦ જેટલા યજ્ઞ કુંડ પર તબક્કાવાર આ બાળ વિદ્વાનો એ અને બાલિકા વિદુષીઓ એ વિશ્વ શાંતિ માટે સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ કર્યો હતો.