15થી વધુ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ; લાખોની માલમત્તાને નુકસાન, જાનહાનિ ટળી



વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સદર બજારમાં આજે એક પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રહેણાંક અને વ્યાપારી ગીચતા ધરાવતા વિસ્તારમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેગંજ સદર બજારમાં આવેલા એક મકાનમાં, જ્યાં પ્લાસ્ટિકના પતરાળા અને અન્ય સામાન ભરેલો હતો, ત્યાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
આગની જાણ થતા જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદાજે 10 થી 15 લશ્કરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાવચેતીના ભાગરૂપે વીજ કંપનીના સ્ટાફે પણ તુરંત પહોંચી વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, ગોડાઉનમાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકનો જથ્થો અને અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે, પરંતુ સત્તાવાર કારણ હજુ જાણવા મળ્યું નથી.