આ વર્ષે રાવણનું પૂતળું 50 ફૂટનું, મેઘદૂત અને કુંભકર્ણનું પૂતળા 40 ફૂટના બનાવ્યા
ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વે છેલ્લા 42 વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. દર વર્ષે ઉત્તર ભારતના ફરજ પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ ગુજરાતમાં બાળકોને સંસ્કૃતિની સમજ મળી રહે, તે માટે વર્ષ 1981 થી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરે છે. ઉત્તર ભારતમાં નવરાત્રીમાં 11 દિવસનો કાર્યક્રમ યોજાય છે.
વડોદરામાં આ વર્ષે રાવણનું પૂતળું 50 ફૂટનું, મેઘદૂત અને કુંભકર્ણનું પૂતળા 40 ફૂટના બનાવ્યા છે. જેમાં વાંસ, લાકડીઓ, દોરડાઓ, કપડાઓ, કાગળો, ચમકીલા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૂતળાઓ ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવે છે. તથા ખાસ આગરાથી આવેલા 22 જેટલા કારીગરો દ્વારા આ વર્ષે પણ માત્ર એક મહિના ટૂંકા ગાળામાં 50 ફૂટ ઊંચી રાવણ, કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે. 42 વર્ષથી આ જ પરિવાર વડોદરા આવે છે.
આ પૂતળાઓને નોમના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે ક્રેન દ્વારા ઊભા કરવામાં આવશે.અહીં દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા અંદાજે બે લાખ જેટલા શહેરીજનો ઉમટી પડતા હોય છે. વડોદરા શહેરમાં આ જ એક માત્ર સ્થળ છે, જ્યાં વર્ષોથી રાવણ દહન અને રામલીલા ભજવાતી હોય છે. રામલીલાના નાટ્યકારો પણ અત્યારે છેલ્લી છેલ્લી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ દર વર્ષે આબેહૂબ રામલીલા ભજવી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે.
પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રામલીલા શહેરીજનો સાંજે પાંચ કલાકે નિહાળી શકશે. તદુપરાંત રાવણ દહન સાંજે સાત કલાકે કરવામાં આવશે. ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રામલીલા નિહાળવા માટે શહેરીજનો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તદુપરાંત રાવણ દહન દરમિયાન કોઈ હોનારત સર્જાય નહીં જેની માટે ફાયર સેફ્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.