ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી નો કોન્ટ્રાક્ટ બદલાયો હોવાથી આવી ન હોવાનું સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું, પણ વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં?
*હાલ ચોમાસામાં સ્વચ્છતા વધુ જરૂરી હોય છે ત્યારે કચરો પાંચ દિવસથી લોકો એકત્રિત કરી રાહ જોઇ રહ્યા છે*
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મોટા ભાગની સોસાયટીઓમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડી કચરો લેવા માટે ન આવતાં સ્થાનિકો પરેશાન, કચરો એકત્રીત કરી કચરા કલેક્શનની ગાડી ની રાહ જોઇ રહ્યા છે બીજી તરફ એજન્સી બદલાતા આ નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે. જો એમ હોય તો પણ અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે.
હાલ ચોમાસાની ત્રૃતુ ચાલી રહી છે. આ સિઝનમાં વરસાદી પાણી ભારાઇ ન રહે અને સ્વચ્છતા ખૂબ જરૂરી હોય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર ગાડી દરેક વિસ્તારમાં મૂકવામાં આવી હતી. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા વિસ્તારમાં અનેક સોસાયટીઓ જેમાં જય અંબેનગર, માજીનગર, રંગ વાટિકા,પુષ્ટિપ્રભા સોસાયટી,હિરાબાનગર સોસાયટી, વૈકુંઠ સોસાયટી, સહિતના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ન આવતા સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. એક તરફ ચોમાસું બીજી તરફ કચરો પાંચ દિવસથી લોકો પોતાના ઘરનો કચરો એકત્રીત કરી રાખતા કચરામાંથી દુર્ગંધ આવી રહી છે.

ચોમાસામાં કચરો અને વરસાદ થી મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતા છે ત્યારે બીજી તરફ વેરો ભરતા શહેરીજનોને કચરા કલેક્શન ની ગાડી માટે રાહ જોવાનો વારો આવ્યો છે. સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ પણ આ જ વિસ્તારમાં રહે છે તેઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે,”ડોર ટુ ડોર કચરા કલેક્શન મા કોન્ટ્રાક્ટ બદલાયો હોવાથી આ સમસયા થઈ છે જે અંગે હું પાલિકાને જણાવી વહેલી તકે સમસ્યાનું નિવારણ કરાવીશ. “
ચોમાસામાં જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી નો કોન્ટ્રાક્ટ બદલાતા નવા કોન્ટ્રાકટર ની છેલ્લા પાંચ દિવસથી ગાડી જ સોસાયટીમાં જોવા નથી મળી. અગાઉ પણ આ વિસ્તારમાં એક દિવસ છોડીને એક દિવસ કચરા કલેક્શન માટેની ગાડી આવતી હતી અને હવે છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરાની ગાડી જ નથી આવી.
એક તરફ પાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ઋતુમાં સ્વચ્છતા,દવા છંટકાવ, સફાઇ કરાવવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. પરંતુ પૂર્વ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ઋતુમાં ના દવાનો છંટકાવ કરવામાં આવે છે ના સ્વચ્છતા બાબતે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ મોકલવામાં આવતી જેથી સ્થાનિકો પરેશાન થઇ ગયા છે.