Vadodara

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તંગી, પાલિકા કમિશનરનું સરપ્રાઈઝ ચેકિંગ


પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ અને રોડ પર ખોદેલા ખાળાઓનું કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ

તંત્રને ઝડપી કાર્યવાહી માટે સૂચના, સ્થાનિકો પાણીની અછતથી ત્રસ્ત, ખોદેલા ખાડાથી માર્ગોની સુરક્ષા અંગે પણ ચિંતાઓ વધી રહી છે

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર તંગી અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકા ના કમિશનર અરુણ મહેશ બાબુએ બુધવારે સવારથીજ સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું. તેઓએ પાણીની સમસ્યાવાળા વિસ્તારો અને ઘરોમાં જઇને પાણી પુરવઠા અંગેની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ, શહેરના રોડ-રસ્તાઓ પર પીવાના પાણીની પાઇપલાઇન માટે ખોદાયેલા ખાડા ઓ અને ચાલતી કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.


આ તપાસ દરમિયાન કમિશનરે પાણીની અછત અને પાઇપલાઇનના સમારકામમાં આવતા વિલંબો અંગે તંત્રને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી છે. પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને અનેક જગ્યાએ ટેન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ખોદકામના ખાડાઓને યોગ્ય રીતે બંધ ન કરવાને કારણે માર્ગો પર ખાડા અને ભૂવો પડવાના પ્રશ્નો પણ વધ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મ્યુ, કમિશનર અરુણ મહેશ બાબુની આ કાર્યવાહીથી પાણીની સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા અને માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કમિશનર જાતે લોકોને પડતી પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા સવારથી જ નિરીક્ષણ કરી જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપતા સ્થાનિક લોકોએ કમિશનરના આ પગલાંને આવકાર્યું છે.

Most Popular

To Top