68.5 કરોડના પ્લાન્ટનું કામ અધૂરું, કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી ટાળી રહી પાલિકા
કામમાં થયેલી ધીમીગતિ અને સમય મર્યાદા પસાર થવા છતાં કામગીરી પૂર્ણ ન થવાથી પાણીની કટોકટી યથાવત, પૂર્વ વિપક્ષ નેતા એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માગ કરી

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 68.5 કરોડના ખર્ચે આજવા થી નિમેટા વચ્ચે નવી ત્રીજી લાઈન અને 50 એમએલડી ક્ષમતા ધરાવતા પાણી પુરવઠા પ્લાન્ટનું કામ વર્ષ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂર્ણ થવાનો હતો, પરંતુ ધીમીગતિ અને કોન્ટ્રાક્ટરના કામગીરી અટકાવવાને કારણે હજુ સુધી કામ પૂર્ણ થયું નથી.

પાણી પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટરને 45થી વધુ નોટીસ આપી છે, છતાં કોઈ સખત પગલાં લેવામાં આવ્યા નથી. અગાઉ કોન્ટ્રાક્ટરને એક કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને 41 કરોડથી વધુનું પેમેન્ટ પણ આપવામાં આવ્યું છે. રાજકીય પીઠબળ ધરાવતા કોન્ટ્રાક્ટરને ફરીથી કામ શરૂ કરવા માટે એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમય મર્યાદા પણ પૂરી થવા જઈ રહી છે.
આ સ્થિતિને લઈને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવતે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને ટેન્ડરના નિયમો મુજબ સજાઓ આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, “પાણીની આ સમસ્યા યથાવત રહેવી નહી જોઈએ. જો કોન્ટ્રાક્ટર કામ પૂરું ન કરે તો તેને કડક કાર્યવાહી સાથે ટેન્ડરથી બહાર કાઢવું જરૂરી છે.”
વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઉનાળુ, ચોમાસુ કે શિયાળામાં પાણીની કટોકટી સામાન્ય બાબત બની ગઈ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આ સમસ્યામાં રાહત મળવાની હતી, પરંતુ હાલની સ્થિતિમાં લોકોની મુશ્કેલી યથાવત છે. મહાનગરપાલિકા સત્તાધીશો હજુ સુધી આ મુદ્દે કોઈ અસરકારક પગલાં લેતા નથી, જે શંકા ઊભી કરે છે.
આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી માટે લોકો અને સ્થાનિક નેતાઓની મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટર પર ક્યારે અને કેવા પગલાં લે છે તેની રાહ જોઈ રહ્યા છે.