Vadodara

વડોદરાના પૂર્વ વિસ્તારમાં રસ્તાઓ પર જાણે નદી વહી, વાહનો ખોટકાયા

વાઘોડિયા રોડ, મહાવીર હોલ ચારરસ્તા , સરદાર એસ્ટેટ ચોકડી, બાપોદ ચારરસ્તા, ઉમા ચારર રસ્તા સહિત સોમાતલાવ અને ગુરુકુલ ચારરસ્તા વિસ્તારની હાલત બગડી


રવિવારે બપોર બાદ શરૂ થયેલા ભારે વરસાદના પગલે આખા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં સતત વરસી રહેલા વરસાદને પગલે પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ, મહાવીર હોલ ચારરસ્તા , સરદાર એસ્ટેટ ચોકડી, બાપોદ ચારરસ્તા, ઉમા ચારરરસ્તા સહિત સોમાતલાવ અને ગુરુકુલ ચારરસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમી સાંજે વરસાદે વિરામ લીધા બાદ પણ બે થી ત્રણ કલાક સુધી પાણી નહી ઓસરતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જેમાં દ્વિચક્રિ અને ફોરવ્હીલર વાહનો પાણીમાં ગરકાવ થઇ જવાથી બંધ પડી ગયા હોઇ વાહનચાલકો પોતાનુ વાહન ખેંચીને લઇ જતા પણ નજરે પડ્યા હતા.

તો બીજી તરફ પાણીગેટ શાકમાર્કેટ પાસે ચાલુ વરસાદે ગટર ઉભરાવાનો નજારો પણ જોવા મળ્યો હતો. એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ગટરના પાણી રસ્તા ઉપર વહેતા થતાં લોકોએ ભારે દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. આમ, શહેરમાં રવિવારની રજાની મજા મેઘરાજાએ બગાડતા લોકો નિરાશ જોવા મળ્યા હતા.

Most Popular

To Top