Vadodara

વડોદરાના પાટીદારોએ રૂપાલા મામલે હાથ ઊંચા કર્યા, બેઠકને બિનરાજકીય ગણાવી

સવારે આપેલા નિવેદનને પાટીદાર આગેવાને ફેરવી તોળ્યું

રૂપાલાને સમર્થનમાં પરેશ પટેલે નિવેદન આપ્યું સાંજે બેઠકમાં રાજકીય મુદ્દો ન હોવાનું રટણ

પાટીદાર સમાજ આગળ કેવી રીતે વધી શકે તે માટેની બેઠક યોજાઈ હોવાનું જણાવાયું

વડોદરા : ગુજરાતમાં રૂપાલાના નામે હાલ રાજકારણ ગરમાયું છે, તો બીજી તરફ વડોદરાના એક પાટીદાર આગેવાને ગુરુવારે સવારે તેઓના સમર્થ હોવાનું નિવેદન આપ્યું હતું. સાંજે બેઠક યોજાવાની હતી ત્યારે આ બેઠકમાં તેઓએ ફેરવી તોળ્યું કે આ બેઠક કોઈ રાજકીય બેઠક નથી અને પાટીદાર સમાજ હાલ નતો કોઈના સમર્થનમાં છે ન તો કોઈના વિરુદ્ધમાં.

પુરુષોત્તમ રૂપાલએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીમાં ક્ષત્રિય સમાજ ખફા થયો છે અને તેઓની ઉમેદવારી રદ કરવા માટેની માંગ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ સાથેની બેઠકોનો દોર નિષ્ફળ ગયો છે અને ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે ત્યારે વડોદરાના પાટીદાર આગેવાને પરેશ પટેલે ગુરુવારે સવારે એક નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજ એ રૂપાલાના સમર્થનમાં છે અને તેઓ જ્યાંથી ચૂંટણી લડવા ઇચ્છતા હોય ત્યાં પાટીદારો સમર્થન કરશે. જોકે આ મામલે પાટીદાર સમાજ જ બે જૂથમાં વહેંચાયેલો દેખાયો હતો. ગુરુવારે સાંજે શહેરના સમા વિસ્તારમાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે સમાજની બેઠક મળી હતી. જેમાં એક તરફ સમાજના આગેવાનો તેઓ નતો કોઈના સમર્થનમાં છે ન તો કોઈના વિરુદ્ધમાં એમ જણાવી રહ્યા હતા. તો બીજી તરફ પરેશ પટેલે પણ ફેરવી તોળ્યું હતું કે આ સમાજને કેવી રીતે આગળ લાવવો તે માટેની બેઠક છે. પાટીદાર સમાજની આ બેઠકને રાજકીય કોઈ લેવા દેવા નથી.

પાટીદાર આગેવાન હિતેશ પટેલે જણાવ્યું હતું કે રાજકીય બેઠક કોઈ હિસાબે નથી અને પાટીદાર સમાજ પોતાના સમાજની ચિંતા કરી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ આપેલું નિવેદન એ તેમનું અંગત નિવેદન છે તેની સાથે સમાજને કોઈ લેવા દેવા નથી. ત્યારે હાલ તો પાટીદાર સમાજ પણ આ ચુંટણીમાં પોતાનું શું સ્ટેન્ડ છે તે નક્કી કરી શક્યું ન હોય તેમ લાગી રહ્યું છે.

પરેશ પટેલને સભામાં આવતા જ સમજાવટ શરૂ

પરેશ પટેલ સભામાં હાજરી આપવા માટે આવ્યા હતા. તેઓ જેવા આવ્યા તેવા જ પાટીદાર આગેવાનોએ તેમને પકડી લીધા હતા. અને તેઓને સમજાવવાનો દોર શરૂ કર્યો હતો. મીડિયા સામે અન્ય કોઈ નિવેદન ના આપે તે માટેની સમજાવટ કરી તેઓને ત્યાંથી એક તબક્કે તો રવાના કરી દેવાયા હતા. તેઓ પરત પણ આવ્યા પરંતુ તેઓએ પોતાના સમાજ સાથે જ છે તેમ કહી પોતાનું નિવેદન આપવાનું પણ ટાળ્યું હતું.

Most Popular

To Top