
વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના અંગે જાણ થતા જ વાસણા અને વડી વાડી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડના ત્રણ જેટલા ફાયર ટેન્ડરો સાથે જવાનો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. સમયસર કાર્યવાહી થવાને કારણે આગ અન્ય મકાનોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
આગ લાગતા મકાનની અંદર રહેલી ઘરવખરી સામગ્રી બળી ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. ઘટનાની જાણ થતા ગોત્રી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ બાદ આગના કારણ અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.