વ્યસ્ત બ્રિજની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન, તાત્કાલિક સમારકામની માગ
વડોદરાના પંડ્યા બ્રિજની હાલત ચિંતાજનક બની ગઈ છે. આજે સવારે બ્રિજના નીચેના ભાગમાંથી પોપડા પડતા ત્યાંથી પસાર થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. શહેરના સૌથી વ્યસ્ત બ્રિજોમાંથી એક હોવાને કારણે અહીં દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. બ્રિજની નીચે પણ સતત ટ્રાફિક રહે છે, જે આ પરિસ્થિતિને વધુ જોખમજનક બનાવે છે.
વડોદરામાં હજુ પણ બ્રીજોની સુરક્ષા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. મોરબી દુર્ઘટના સમયે શહેરના તમામ બ્રીજની મજબૂતાઈ ચકાસવામાં આવી હતી. પંડ્યા બ્રિજ અને શાસ્ત્રી બ્રિજનું પણ રીપેરીંગ કરાયું હતું, પરંતુ તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે સમારકામ પૂરતું નહોતું.
સ્થાનિક સામાજિક કાર્યકરોએ તંત્રને તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ કરી છે. તેઓએ વડોદરા મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા આ મહત્વના બ્રિજની તટસ્થ તપાસ થવી જોઈએ.