પાલિકાના પદાધિકારીઓ પણ વિશ્વામિત્રીની કામગીરી જોવા પહોચ્યા
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારમાં ભરવાડ વાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું નિરીક્ષણ કરવા નવા મ્યુનિસિપલ કમિશનર તથા પદાધિકારી પહોંચ્યા હતા.

વડોદરાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ આજે સમા ભરવાડ વાસ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે પાલિકાના પાંચેય પદાધિકારીઓએ વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી છે અને કામગીરી સારી રીતે ચાલી રહી છે. અત્યાર સુધી લગભગ 40% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જૂન 10 પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની છે અને ઝડપ વધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. જેમાં કામના કલાકો વધારવા અને નિયમોનું પાલન કરવાની ખાતરી આપવામાં આવી છે. હાલમાં 400 જેટલા ડમ્પર, 16 પેકેજ અને 4 ભાગોમાં કામ ચાલી રહ્યું છે. માટી કાઢીને તેને ફિક્સ કરવાનું પણ આયોજન છે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે અને એનજીટીના નિયમો અનુસાર કામ કરવામાં આવશે.
મેયર પિન્કી સોનીએ જણાવ્યું કે સમા ખાતે ભરવાડ વાસ પાસે તટ વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે. જો જરૂરી પડ્યું તો કામના કલાકો અને મશીનરી વધારવામાં આવશે. માટી વરસાદમાં પાણીમાં સમાઈને અવરોધ ઊભો કરી શકે તે માટે ઘાસ ઉગાડવા અને તટને મજબૂત બનાવવા માટે લાંબા ગાળાના આયોજન પર કામ ચાલી રહ્યું છે.