વાવાઝોડાથી લગભગ 8 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા
શહેરના કુલ 345 ફીડરમાંથી 127 ફીડર બંધ કરવામાં આવ્યા હતા
વડોદરા :;શહેરમાં ગતરોજ સાંજે વરસાદ અને ભારે વાવાઝોડાથી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નરસિંહ એસ્ટેટમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં વાવાઝોડાથી લગભગ 8 જેટલા વીજ થાંભલા ધરાશાયી થઈ જમીન દોસ્ત થયા હતા, જેના કારણે વિસ્તારમાં લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. લોકોને લાઈટ વગર રાત કાઢવી પડી હતી અને વીજ થાંભલા ઉખડી જતા તેમના જીવ પણ પડીકે બંધાયા હતા.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, થાંભલાઓ બોલ્ટ પર માત્ર ઉભા કરી દેવામાં આવ્યા હતા, જેથી તેઓ ભોંય ભેગા થયા અને નમી પડ્યા હતા. આ ઘટનાથી MGVCL વિભાગની ગંભીર બેદરકારી પણ સામે આવી છે.

નરસિંહ એસ્ટેટમાં ઘણા કારખાના આવેલા છે, જેમાં લાઇટ બંધ થવાથી કામગીરી પણ ઠપ્પ થઈ હતી. આજે સવારે MGVCLની ટીમો વીજળી પુનઃસ્થાપિત કરવા ઝડપથી કામ કરી રહી છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં વીજળીની સમસ્યા ચાલુ છે.
100 જેટલા ઝાડ ઉખડી ગયા
વડોદરા શહેરમાં ગતરોજ સાંજના વાવાઝોડા અને ભારે વરસાદથી સમગ્ર શહેરમાં તબાહી થઈ હતી. લગભગ નાના મોટા થઈ 100 જેટલા ઝાડ ઉખડી પડ્યા હતા, જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ફાયર સર્વિસ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટની ટીમો ઝડપથી રસ્તા સાફ કરવા માટે ફરજ પાડી હતી. કેટલાક વિસ્તારોમાં વીજળીના તાર ટુટી ગયા હતા, જેના કારણે સુભાનપુરા વિસ્તારમાં એક વ્યક્તિ અને એક ડોગ કરંટ લગતા મોત થયા હતા.
કુલ 345માંથી 127 ફીડર બંધ કરવામાં આવ્યા હતા.:- MGVCL

MGVCLના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરના કુલ 345 ફીડરમાંથી 127 ફીડર બંધ કરવામાં આવ્યા હતા. લગભગ 45 MGVCLની ટીમો વીજળી પુનઃસ્થાપિત કરવા કામ કરી રહી છે. સાંજે 8:45 સુધીમાં 70% વિસ્તારોમાં વીજળી પાછી આવી ગઈ હતી, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં વીજળીની સમસ્યા ચાલુ હોય વીજળી પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.