24 કલાકમાં બનેલી બે લૂંટની ઘટનાઓએ મચાવી હતી ચકચાર, સીસીટીવી વગરના વિસ્તારમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ગુનો ઉકેલ્યો


વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં ગત સપ્તાહે 24 કલાકના ગાળામાં બનેલી બે લૂંટની ઘટનાઓનો વડોદરા પોલીસે પર્દાફાશ કર્યો છે. જેપી રોડ પોલીસ મથકની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ તેજ કરી રાજસ્થાનના અજમેરથી ત્રણ રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો અનુસાર, તાંદલજા વિસ્તારમાં એક પ્લાયવુડની દુકાનના માલિકનો ભત્રીજો જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં આ આરોપીઓએ તેને આંતર્યો હતો. લૂંટારુઓએ યુવકને ડરાવી-ધમકાવી તેની પાસે રહેલી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. 24 કલાકમાં એક જ વિસ્તારમાં બનેલી લૂંટની બે ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ કેસમાં સૌથી મોટો પડકાર એ હતો કે જે સ્થળે લૂંટની ઘટના બની હતી ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા. વડોદરા પોલીસની અલગ-અલગ ટીમોએ માનવીય સંસાધનો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટ કર્યા બાદ આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા છે.
બાતમીના આધારે જેપી રોડ પોલીસે અજમેરમાં દરોડો પાડી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સોએ લૂંટની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.
ઝડપાયેલા ત્રણેય આરોપીઓને વડોદરા લાવવામાં આવ્યા છે અને તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ ટોળકીમાં અન્ય કોઈ સભ્યો સામેલ છે કે કેમ અને તેઓએ ભૂતકાળમાં અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે દિશામાં રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરશે.