Vadodara

વડોદરાના તળાવોમાંથી 1350 ટન વેલા અને કચરો દૂર કરાયો

યાંત્રિક શાખા દ્વારા ઓક્ટોબર મહિનામાં સમા, ઘાઘરેટીયા, કરોડીયા અને ગોરવા તળાવોની સફાઈ પૂર્ણ

વડોદરા મહાનગરપાલિકાની યાંત્રિક શાખા દ્વારા શહેરના વિવિધ તળાવોમાં ઉગેલા વેલા અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલા કચરાની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તળાવો સ્વચ્છ રહે અને જળસ્તર જળવાઈ રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં સમા, ઘાઘરેટીયા, કરોડીયા અને ગોરવા તળાવોમાં સફાઈનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. વીડ હાર્વેસ્ટર જેવી આધુનિક મશીનરીની મદદથી તળાવની અંદરથી મોટી માત્રામાં વેલા અને કચરો દૂર કરવામાં આવ્યો હતો. સમા તળાવમાંથી 175 ટન, ઘાઘરેટીયા તળાવમાંથી 450 ટન, કરોડીયા તળાવમાંથી 500 ટન અને ગોરવા તળાવમાંથી 225 ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. આમ કુલ 1350 ટન વેલા અને કચરો દૂર કરી તળાવોની સફાઈ પૂર્ણ કરવામાં આવી હતી. યાંત્રિક શાખા દ્વારા જણાવાયું છે કે શહેરના અન્ય તળાવોની સફાઈ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે જેથી તળાવો સ્વચ્છ રહે અને નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ મળી રહે.

Most Popular

To Top