Vadodara

વડોદરાના ટ્રાફિકનું ભારણ ઘટાડવા 66.40 કિમીનો રિંગરોડ બનાવવા ભાયલીનો 60 લાખના ખર્ચે બનેલો જૂનો રોડ તોડી પડાયો


5 વર્ષ અગાઉ બનેલા રોડને તોડી પાડી પ્રજાના ટેક્સના 60 લાખ બરબાદ કરાતા ભાયલીના માજી સરપંચે આક્રોશ વ્યક્ત કર્યો



વડોદરા શહેરમાંથી ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી કોર્પોરેશન અને વુડા સંયુક્ત રીતે શહેર ફરતે રીંગરોડ બનાવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 27.54 કિલોમીટરનો રીંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે. જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે. જો કે તેમાં નડતરરૂપ ભાયલી ટીપી પાંચ ખાતે વુડા દ્વારા પાંચ વર્ષ અગાઉ બનાવેલા રોડમાંથી 800 મીટર નો રોડ તોડી પાડવામાં આવ્યો છે. જેને લઇને ભાયલી ગામના પૂર્વ સરપંચે વિરોધ કર્યો છે. રોડ તોડવાના કારણે પ્રજાના ટેક્સના 60 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ભાયલીના પૂર્વ સરપંચે વુડા અને કોર્પોરેશન વચ્ચે સંકલનના અભાવના આક્ષેપ કર્યા અને જણાવ્યું કે રોડ બનાવતા પહેલા વુડાએ સંકલન કરવાની જરૂર હતી.
શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે તેમજ બહારથી આવતા વાહનો ચાલકોને શહેરમાં પ્રવેશવું ન પડે તે હેતુથી રીંગરોડ બની રહ્યો છે. વુડા અને કોર્પોરેશન સંયુક્ત રીતે રીંગરોડ બનાવી રહ્યા છે. કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવનાર થોડાક વર્ષોમાં વડોદરાને પહેલો રીંગ રોડ પણ મળી જશે , પણ પ્રજાના ટેક્સના 60 લાખનો વેડફાટ કરવો એ તે કેટલું યોગ્ય એ સવાલ ઉઠી રહ્યો છે.

આ રોડને રિંગ રોડ કહી શકાય જ નહીં:

ભાઇલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલે કહ્યુ કે વડોદરા શહેરને ફરતે ભાયલી વિસ્તારમાંથી 75 મીટરનો રીંગ રોડ પસાર થઈ રહ્યો છે. પાંચ વર્ષ અગાઉ એ રોડ 40 મીટરનો હતો. આ 40 મીટરનો રોડ ટીપી પાંચ ભાયલી ખાતે ખોલવામાં આવ્યો હતો. ત્યાં વ્યવસ્થિત ડામરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. એની સાથે સાથે ગટર યોજના નાખવામાં આવી હતી અને રસ્તો કાર્યરત હતો. પરંતુ 2022- 23 પછી આ 40 મીટરનો રોડ 75 મીટરમાં કન્વર્ટ થયો. જેથી આગળ જે 40 km રોડ બનાવ્યો હતો એને તોડી નાખવામાં આવ્યો. સાથે સ્થાનિકોને સાથે કોઈપણ વાત કર્યા વગર ગટર લાઈન નાખવામાં આવી છે . રીંગરોડ બનાવવા માટે જે ખેડૂતોની જગ્યા આ પ્રોજેક્ટ આખી જતી રહી છે તેઓને હજુ સુધી ફાઇનલ પ્લોટ આપવામાં પણ નથી આવ્યા. આ રીંગ રોડ માત્ર જ્યાં ટીપી નંબર પડ્યા છે ત્યાં જ બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં ટીપી નથી પડ્યા ત્યાંથી આ રિંગ રોડ પસાર નહીં થાય. એનો મતલબ આ રીંગરોડ કહેવાય જ નહીં. રિંગ રોડ બનાવવો હોય તો આસપાસમાં જે ગામો આવેલા છે. ભલે ટીપીમાં નથી આવ્યા પણ ત્યાંથી પણ રોડ જાય તો લોકોને આ સહાયરૂપ થશે બાકી આ રોડ બનાવવાનો મતલબ નથી.

રીંગરોડ ઊંચાઈ પર બની રહ્યો હોવાથી તેને તોડવો પડ્યો છે.

સમગ્ર મામલે વુડાના કાર્યપાલક ઇજનેર કેતન પટેલે કહ્યું કે રીંગરોડના કારણે વુડાનો 40 મીટરના ટીપી રોડના માત્ર 800 મીટર જેટલા રોડને નુકસાન થયું છે. ટીપી નીચાણ પર છે. જ્યારે રીંગરોડ ઊંચાઈ પર બની રહ્યો હોવાથી તેને તોડવો પડ્યો છે.

Most Popular

To Top