*બ્રેથ એનેલાઇઝર સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા તત્વો, મોડી રાત સુધી ગેરકાયદેસર દબાણ કરી લારીઓ ઉભી રાખનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી*
(પ્રતિનિધિ) વડોદરા તા.19
રક્ષિત ચોરસિયા અકસ્માત કાંડને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન -4વિસ્તારમા રાત્રિ દરમિયાન કુંભારવાડા, વારસિયા, સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ કારેલીબાગ રાત્રીબજાર વિસ્તારમાં સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઝોન- 4 ડીસીપી પન્ના મોમાયા સહિતના પોલીસ અધિકારીઓ સાથે પોલીસ કર્મીઓએ નશો કરીને વાહન ચલાવતા તથા જરૂરી દસ્તાવેજો અને નિયમો વિના વાહન વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ ટપોરી જેવા 70 ને ડિટેન કર્યા હતા. તથા નડતરરૂપ ગેરકાયદેસર રીતે રાત્રે ઉભા રહેતા લારી ગલ્લાઓના દબાણોને પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે રહી દૂર કરવામાં આવ્યા હતા.

શહેરમાં ગત તા.13મી માર્ચની ગોઝારી રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે નશામાં ધૂત માલેતુજાર નબીરા રક્ષિત ચોરસીયાએ તેના મિત્ર સાથે ફૂલ સ્પીડમા ગફલતભરી રીતે કાર હંકારી ને આઠ લોકોને અડફેટે લેતાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જયારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ.ઘટનાનૈ પડઘો વિધાનસભા સુધી પહોંચ્યો હતો તથા દેશભરમાં આ ઘટનાની નિંદા સાથે આરોપી વિરુદ્ધ સખત સજા ફાંસીની માંગ ઉઠી છે ત્યારે ગૃહરાજ્યમંત્રી ની સખત સૂચના મુજબ વડોદરા શહેર પોલીસે શહેરમાં દિવસે તેમજ રાત્રે સઘન વાહન ચેકીંગ શરું કર્યું છે. જેના બીજા દિવસે એટલે કે મંગળવારે રાત્રે ઝોન -4 વિસ્તારમાં આવેલા સિટી પોલીસ સ્ટેશન, કુંભારવાડા, વારસિયા તથા કારેલીબાગ રાત્રી બજાર, વાઘોડિયારોડ , બાપોદ સરદાર એસ્ટેટ પાસે ડીસીપી ઝોન -4 પન્ના મોમાયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સાથે રહીને રાત્રે નશો કરીને વાહન ચલાવતા, જોખમી રીતે ઓવરસ્પીડ વાહન ચલાવતા તથા જરૂરી કાગળો વિના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી 70 જેટલા ટપોરી જેવા ઇસમોને ડિટેઇન કરવામાં આવ્યા હતા સાથે જ રાત્રે ટ્રાફિક ને નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે મોડી રાત સુધી ઉભા રહેતા લારી ગલ્લાઓને પાલિકાની દબાણ શાખા ટીમ સાથે રહી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
