પાણી પુરવઠા કે પાલિકાના અધિકારી પહોંચે તે પહેલા હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું
વડોદરા શહેરના ચકલી સર્કલ હરિભક્તી પોસ્ટ ઓફિસ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતાં રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
વડોદરા શહેરના શિયાળામાં પણ પાણીની કિલ્લત છે અને લોકો પાણી માટે વલખા મારી રહયા છે. તો બીજી તરફ પાલિકાના પાપે હજારો ગેલન પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો છે . વડોદરા શહેરના ચકલી સર્કલ હરિભક્તી પોસ્ટ ઓફિસ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને વાહન ચાલક તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના અધિકારી કે પાણી પુરવઠાના અધિકારી પહોંચે તે પહેલા હજારો લિટર પાણી રોડ પર વહી ગટરમાં ગયું હતું જેના કારણે સ્થાનિક વિસ્તારના લોકોને પૂરતું અને પ્રેસરથી પાણી મળ્યું ન હતું જેના માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો સ્થાનિક રહીશોમાં ચર્ચાઇ રહ્યા છે.
ત્યારે બીજી તરફ ગોત્રી ના ઇસ્કોન હાઇટ્સ પાસે પણ પાણીની લાઈનમાં ભંગાર થતા આખા વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એક તરફ પીવાના પાણી માટે વલખા મારતા નગરજનોને પાલિકા દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે પાણી પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પીવાનો પાણી આપને મળશે. આ વાતે સ્ટેન્ડિંગમાં અનેક બીલો પાસ કરી કરોડો રૂપિયા ખર્ચી વિકાસની વાર્તા કરતા રહે છે. પરંતુ આજ દિન સુધી વડોદરાના નગરજનોને એક દિવસ એવો નહીં હોય કે વડોદરા શહેરમાં પાણીનો કકળાટ જોવા ના મળ્યો હોય. જે પ્રજાના ટેક્સથી પાલિકા તંત્રના અધિકારીઓનો પગાર થતો હોય એ આ નગરજનોને ક્યાંરે પ્રાથમિક સુવિધા પ્રાપ્ત કરાવી શકશે એ પણ એક સવાલ છે.