Vadodara

વડોદરાના કાઉન્સિલર છાયા ખરાડીની વિવાદિત ટિપ્પણી : ‘યુદ્ધ પૂરું જોવું હોય તો 400 સીટ આપો’

વડોદરા: તાજેતરમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ્સના કારણે શિસ્તભંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પાર્ટીએ અગાઉ વડોદરાના પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એડિટ કરેલું સિગારેટ પીતા ફોટો પોસ્ટ કરવાના કારણે સસ્પેન્ડ કર્યા હતા. હવે, વધુ એક મુદ્દો ભાજપ માટે માથાના દુખાવાની જેમ ઉભો થયો છે. વડોદરાના વોર્ડ નં. 3ના કોર્પોરેટર છાયા ખરાડીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, “240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખું યુદ્ધ જોવું હોય તો 400 સીટ આપવી પડે.” આ પોસ્ટને ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ અસ્વીકાર્ય ગણાવી છે અને પક્ષની ભાષાશૈલી અને શિસ્ત સામે પડકારરૂપ ગણાવી છે. આ વાત હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. પાર્ટીએ થોડા દિવસો પહેલાં જ મ્યુનિસિપલ સભાસદ આશિષ જોષીને પણ અણસુધરાયેલ વર્તન અને શિસ્તભંગના કારણે પાર્ટીમાંથી બરખાસ્ત કર્યા હતા. વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીએ ૮ મે, ૨૦૨૫ના રોજ આ નિર્ણય જાહેર કર્યો હતો. અરવિંદ પ્રજાપતિની પોસ્ટ બાદ સર્જાયેલા વિવાદને પગલે ભાજપે જે કડક કાર્યવાહી કરી છે, તે પક્ષના શિસ્ત અંગેના વલણને સ્પષ્ટ કરે છે. હવે છાયા ખરાડી સામે પણ સમાન પ્રકારની કાર્યવાહી થવા પામે છે કે કેમ એ જોવું રોચક રહેશે.

Most Popular

To Top