Halol

વડોદરાના આધેડનો હાલોલ નજીક નર્મદા કેનાલમાં કૂદી આપઘાત

હાલોલ નજીક નર્મદા મુખ્ય કેનાલમાં કૂદી ૫૧ વર્ષીય આધેડે આપઘાત કર્યો
બરાનપુરા, વડોદરાના રહેવાસી હોવાની ઓળખ, પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધાયો
હાલોલ:

હાલોલ તાલુકાના કણજરી ગામ નજીક રાજપુરા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 51 વર્ષીય આધેડે અગમ્ય કારણોસર કૂદી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગતરોજ મોડી સાંજે હાલોલ ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી કે રાજપુરા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં એક ઇસમ કૂદી પડ્યો છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ તપાસ દરમિયાન કેનાલ નજીક એક બર્ગમેન સ્કૂટર મળી આવ્યું હતું. સ્કૂટરમાંથી મળેલા લાયસન્સના આધારે મૃતકની ઓળખ સંજય શિવાજીરાવ ખાંડેકર (ઉંમર 51), રહે. સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ, જયસ્વાલ ભવન પાછળ, બરાનપુરા, વડોદરા તરીકે થઈ હતી.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે સંજયભાઈ સવારે આશરે 9 વાગ્યે “હું આવું છું” કહી સ્કૂટર લઈને ઘરેથી નીકળ્યા હતા. બપોર સુધી ઘરે પરત ન ફરતાં પત્નીએ ફોન કર્યો હતો, પરંતુ ફોન રીસીવ ન થતાં તેમણે પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ પુત્રે સંપર્ક કરતા સંજયભાઈએ “થોડીવારમાં ઘરે આવું છું” એવી વાત કરી હતી. ત્યારપછી તેમનો સંપર્ક તૂટી ગયો હતો.
પોલીસ દ્વારા ઓળખ થયા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલોલ ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરતાં સંજયભાઈનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારજનોએ ઓળખ પુષ્ટિ કર્યા બાદ મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ⚖️

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top