મ્યુનિસિપલ કમિશનર અને DDOની બેઠકમાં લેવાયો નિર્ણય; શહેરીજનોને પૌષ્ટિક આહાર અંગે જાગૃત કરવા પાલિકાનો નવતર પ્રયોગ


વડોદરા શહેરના નાગરિકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અને પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ‘મિલેટ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની પૂર્વતૈયારીઓના ભાગરૂપે પાલિકાની વડી કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના સ્થળ અને આયોજન અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન મહોત્સવના સુચારુ આયોજન, વ્યવસ્થાપન અને જનભાગીદારી વધારવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ શહેરના મધ્યમાં અને નાગરિકોને સરળતા રહે તે રીતે અકોટા સ્ટેડિયમ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, આ વર્ષનો મિલેટ મહોત્સવ અકોટા સ્ટેડિયમ ખાતે યોજાશે. આ સ્થળ પર સ્ટોલ્સ, પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પૂરતી જગ્યા હોવાથી તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહોત્સવમાં બાજરી, જુવાર, રાગી અને વરી જેવા જાડા ધાન્ય ના ફાયદાઓ વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ નાગરિકોને આ મહોત્સવમાં પરિવાર સાથે જોડાવા ખાસ અનુરોધ કર્યો છે. ફાસ્ટ ફૂડના યુગમાં પરંપરાગત અને શક્તિવર્ધક આહાર તરફ વળવા માટે આ એક સોનેરી તક હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં, લોકોમાં મિલેટ્સના ઉપયોગ અંગે વ્યાપક જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા આગામી દિવસોમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ પ્રચાર કરવામાં આવશે.
:- મુખ્ય આકર્ષણો અને હેતુ
*વાનગી પ્રદર્શન: મિલેટ્સમાંથી બનતી વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓના લાઈવ ડેમો અને સ્ટોલ્સ.
*આરોગ્ય જાગૃતિ: આધુનિક જીવનશૈલીમાં મિલેટ્સનું મહત્વ સમજાવતા નિષ્ણાતોનું માર્ગદર્શન.
*સ્થળ પસંદગી: ટ્રાફિક અને પાર્કિંગની સુવિધાને ધ્યાનમાં રાખીને અકોટા સ્ટેડિયમની પસંદગી