એક મહિનો વીતી ગયો તોય સમસ્યા યથાવત્, તંત્ર નિષ્ક્રિય અને લોકોને પાણી માટે ખંખેરાવું પડી રહ્યું છે

વડોદરાના જલારામ નગર-1 વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા એક મહિનાથી લોકોની ટાંકીમાં પાણીનું એક બૂંદ પણ આવ્યું નથી. પરિણામે રહેવાસીઓએ પૈસા ખર્ચીને બહારથી પાણી મંગાવવાનું શરૂ કર્યું છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રના દરવાજા ઘણીવાર ખખડાવ્યા છે. કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ હલ મળ્યું નથી. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હવે લોકો માટલા ફોડી, થાળી ખખડાવી અને રસ્તા પર ઉતરીને પોતાની વેદના તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણીઓ સમયે મત લેવા રાજકીય આગેવાનો વચન આપીને જાય છે, પણ પછી પછાત વિસ્તારોની મુશ્કેલીઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી. શહેરનું બજેટ હજારો કરોડનું હોવા છતાં આજે પણ ઘણા વિસ્તારોમાં પાણી જેવી જીવનજરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. ગત રોજ શહેરના બે અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્નને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જલારામ નગરના લોકોને હવેથી એક જ આશા છે કે તંત્ર જાગે અને તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે, નહીં તો આ તકલીફ વિરોધમાં ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ શકે છે.નલ સે જળ યોજના ફક્ત કાગળ પર જ રહી ગઈ છે.30 વર્ષો થી ભાજપ સરકાર છતાં વિસ્તારની પાણીની સમસ્યા ઉકેલાઈ નથી. સ્થાનિકો નું કેહવુ છે સમયસર પાણી ન મળતાં લોકો રૂપિયા ખર્ચી ટેન્કર વડે પાણી માંગવું પડે છે અને તે મોગુ પડે છે . એક બેડાં પાણી માટે મહિલાઓને હાલાકી નો સામનો કરવો પડે છે.
વડોદરા પાણીની કાયમી તંગીની સમસ્યાથી ત્રસ્ત એવા કારેલીબાગ જલારમનગરના વિસ્તારની પ્રજાની હાલત ઉનાળામાં જ કફોડી બની છે. સરકાર દ્વારા નલ સે જલ યોજના અમલી બનાવીને તે સફળ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ કારેલીબાગ વિસ્તારોમાં આજે પણ પાણી વેચાતું લાવવું પડે છે. જેને કારણે સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પીવાના પાણીની સમસ્યા વોર્ડ નં 3ના વિસ્તારની મહિલાઓને એક બેડા પાણી માટે વલખા મારવા પડે છે. ટેન્કરોના ભરોસે ક્યારે પાણી આવશે તેની કાગડોળે રાહ જોઈને બેસી રહેવું પડે છે. જેથી લોકોની હાલત કફોડી બની છે. ભર ઉનાળામાં જ જલારામ નગરના લોકોને વેચાતું પાણી મેળવવું પડે છે. જેથી સ્થાનિક લોકો ચિંતિત બન્યા છે. ત્યારે વિસ્તારના લોકોની પીવાના પાણીની સમસ્યાનું વડોદરા મહાનગર પાલિકા વહીવટી તંત્ર દ્વારા સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
. અમારા વિસ્તાર માં પાણી ની લાઈન 25 વર્ષ પૂર્વે નાખવામાં આવી હતી અને હાલ પાણી ની લાઈન અને મુખ્ય વાલ બેસી ગયો છે તે પણ રીપેર કરવામાં આવતો નથી જેને કારણે વિસ્તાર માં પાણી આવતું નહિ છેલ્લા એક મહિના થી અમે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે . અમે વારમ વાર વોર્ડ કચેરી એ જઈ ફરિયાદ કરી છે સ્થાનિક કોર્પોરેટર રૂપલબેન ને પણ અવાર નવાર જણાવ્યું છે તેમ છતાં કોઈ જોવા સુધ્ધા પણ આવતું નથી વોટ લેવા આવી જાય છે પરંતુ વિસ્તારના લોકો ની સમસ્યા નો નિકાલ કરવા કોઈ આવતું નથી. જેથી મહિલાઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ખાનગીમાં પાણીનું ટેન્કર મોંઘા ભાવે મળે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તે પોસાય તેમ નથી. માટે પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
