હજારો લીટર પાણીનો વેડફાટ, તંત્રએ સમારકામ શરૂ કર્યું
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ગેંડીગેટ દરવાજા પાસે એક ખાનગી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થયો હતો. આ ઘટનાને પગલે શહેરના પાણી વ્યવસ્થાપન અને તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.
જાણકારી અનુસાર, પ્રોજેક્ટ હાથ ધરતી કંપની દ્વારા પૂરતી તકેદારી વિના ખોદકામ કરવામાં આવતા પાણીની લાઈન તૂટી ગઈ, જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી વહેવા લાગ્યા. જોકે સમગ્ર મામલાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક સમારકામ શરૂ કરાયું છે.
આ પ્રકારની બેદરકારી માટે જવાબદાર લોકો પર શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ખાનગી કંપની દ્વારા કામ કરતી ટીમ દ્વારા સાવચેતી રાખવામાં આવી ન હોવાનો આક્ષેપ છે, અને જો ખરેખર તેઓ જ જવાબદાર હોય તો મનપા કાયદેસર પગલાં ભરશે તેવા સંકેત છે.