ચાલુ વર્ષે ગત વર્ષ કરતા લીધેલા પાણીના સેમ્પલમાંથી માત્ર 2% ફેલ આવ્યા
સ્માર્ટ સિટી વડોદરાના નાગરિકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. અનેક વિસ્તારોમાંથી ફરિયાદો આવતી હતી. ગત વર્ષ 2024માં કોર્પોરેશને લીધેલા પાણીના સેમ્પલમાંથી 650 સેમ્પલ લેબોરેટરીના ફેઇલ થતાં પાલિકા લોકોને દૂષિત પાણી પીવડાવી રહ્યું હોવાનો મોટો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે ચાલુ વર્ષ 2025 માં પાલિકાના અધિકારીઓએ પ્રજાને કેવી રીતના પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેની ચિંતા કરી હતી. જેને લઈને વર્ષની શરૂઆતમાં જ નગરજનોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે અનેક કામો હાથ ધર્યા હતા.
ગત વર્ષ 2024 માં કોર્પોરેશન પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 650 જેટલા સેમ્પલ ફેલ થયા હતા. જેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળતો હતો. કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા પાણીના સેમ્પલમાંથી 650 સેમ્પલ પાલિકાની લેબોરેટરીમાં ફેઈલ થયા હતા. પાણીમાં કોન્ટામિનેશન મળી આવ્યું એટલે કે પીવાના પાણીમાં ડ્રેનેજ મિશ્રિત પાણી હોવાનું લેબોરેટરીમાં રિપોર્ટમાં સામે આવ્યું હતું. કોર્પોરેશનને લોકોના આરોગ્યની કાળજી લેવી જોઈએ, તેના બદલે કોર્પોરેશન જ લોકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે એવા આક્ષેપો લોકોએ લગાવ્યા હતા.
કયા મહિનામાં કેટલા સેમ્પલ ફેલ
ગત વર્ષ 2024 માં કયા મહિનામાં ડ્રેનેજ મિશ્રિત પાણીના કેટલા સેમ્પલ ફેઇલ આવ્યા તેની વાત કરીએ તો જાન્યુઆરી – 63, ફેબ્રુઆરી – 52, માર્ચ – 26, એપ્રિલ – 31, મે- 75 , જૂન – 49, જુલાઈ – 175, ઓગસ્ટ – 50, સપ્ટેમ્બર – 50, ઓક્ટોબર – 28, નવેમ્બર – 15, ડિસેમ્બર – 36 એમ કુલ – 650 સેમ્પલ ફેલ થયા હતા.
ત્યારે ગુજરાતમિત્ર ના પ્રતિનિધિ સાથે વાત કરતા
પાણી પુરવઠા વિતરણ વિભાગના અધિકારી હેમલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં નાગરિકોને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. નાગરિકો તેના બદલે કોર્પોરેશનમાં વેરો ભરે છે. પીવાનું શુદ્ધ પાણી આપવું એ પાલિકાની અને અમારી ફરજ છે. ગત વર્ષે જે વિસ્તારમાંથી સેમ્પલ લીધા હતા તેમાંથી 650 સેમ્પલ ફેલ આવ્યા હતા. ત્યારે નાગરિકો રોષે પણ ભરાયા હતા . પરંતુ આ વર્ષે શરૂઆતથી જ પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અનેક કામો હાથે ધર્યા છે. નવી પાણીની લાઈનો નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડ્રેનેજ અલગ કરી પીવાના પાણીની પાઇપલાઇન સાથે મિશ્રિત ન થાય તે પ્રકારના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. જેને લઈને હાલ અનેક વિસ્તારોમાં કામ ચાલી રહ્યું છે. આ વર્ષે 1099 પાણીના સેમ્પલ જાન્યુઆરીમાં લેવામાં આવ્યા હતા જેમાંથી 20 સેમ્પલ ફેલ આવ્યા છે. જેની વાત કરીએ તો દિપાવલી સોસાયટી કારેલીબાગ વોર્ડ નંબર સાતમાંથી પાણીના 20 સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ સેમ્પલ ફેલ આવ્યા છે. મારુતિ ધામ દિવાળીપુરા વોર્ડ નંબર 11 પાણીના 10 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી બે સેમ્પલ ફેલ થયા છે. ક્રિષ્ના ટાઉનશીપ ગોત્રી રોડ વોર્ડ નંબર નવ છ જગ્યાએથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ફેલ આવ્યા છે. સંજય પાર્ક કારેલીબાગ વોર્ડ નંબર સાત પાણીના પાંચ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં બે સેમ્પલ ફેલ થયા છે વોર્ડ નંબર એક નવા યાર્ડમાં પાણીના 10 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે દશે 10 ફેલ થયા છે. કુલ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 1099 પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં કુલ 20 સેમ્પલ આવ્યા છે.
જે જગ્યાએ જે વિસ્તારમાં પાણીના સેમ્પલ ફેલ આવ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે પાણીની નવી લાઈનો નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તેવી કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં નવી પાણીની લાઈનો નાખવા બાબતે ખાડા ખોદવામાં આવ્યા છે તેને લઈને પણ અનેક વિસ્તારોમાંથી ફરિયાદો આવે છે
